'જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કંઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે'


મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ

કોંગ્રેસ તો ભાજપને શરણે ગઈ છે, મમતાએ પક્ષના કાર્યકરોને સંબોધતાં કહ્યું

કોલકત્તા: પ. બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમુલ કોંગ્રેસનાં સર્વે સર્વા મમતા બેનર્જીએ કોંગ્રેસ અને તેના અગ્રીમ નેતા રાહુલ ગાંધી ઉપર ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી વિપક્ષોના નેતા બનશે તો કોઈ પણ (વિપક્ષ) નરેન્દ્ર મોદી ઉપર પ્રહારો કરી શકશે જ નહીં. મધ્ય યુગના અને ચિરાજ ઉદ.દૌલાની રાજધાની બની રહેલા મુર્શિદામાં રવિવારે મળી રહેલ પક્ષના કાર્યકરોની સભાને કોલકત્તાથી કરેલા વર્ચ્યુઅલ સંબોધનમાં મમતાએ કહ્યું હતું કે, 'મિસ્ટર ગાંધી, તો પી.એમ. મોદીના સૌથી મોટા વ્યાપાર પ્રતિનિધિ છે'.

સંસદમાં ચાલી રહેલા 'ગતિરોધ' અંગે તેમણે કહ્યું હતું કે તેઓ જ (ભાજપ) સંસદ ચાલવા દેવા માગતા નથી અને તેથી જ રાહુલ ગાંધીને (વિપક્ષના) નેતાબનાવવા માગે છે. ભાજપ રાહુલને હીરો બનાવવા આતુર છે.

કોંગ્રેસ ઉપર ઉગ્ર પ્રહારો કરતાં મમતાએ વધુમાં કહ્યું કે તે કોંગ્રેસ છે કે જે ભાજપને શરણે ગઈ છે. સીપીએમ અને ભાજપ લઘુમતિને તૃણમુલ વિરુદ્ધ ઉશ્કેરી રહ્યાં છે.

આ પૂર્વે લોકસભાના તૃણમુલ નેતા સુદીપ બંધોપાધ્યાયે કહ્યું કે, રાહુલ ગાંધી વિપક્ષના નેતા હોવાથી ભાજપને જ લાભ થાય છે.

નિરીક્ષકો આ આક્રોશ અંગે કહે છે કે લઘુમતિની તૃણમુલની દિવાલમાં કોંગ્રેસે છીંડા પાંડયા છે. તેથી તૃણમુલ કોંગ્રેસ સામે ધૂંધવાઈ છે, ઉ.પ્ર.માં યોજાયેલી ચૂંટણીમાં તૃણમુલને એક પણ બેઠક મળી નથી. તેથી મુંઝાયેલ મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ બહાર પડયો છે.

પ. બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી સમયે પણ થયેલા હિંસક તોફાનો અને શ્રદ્ધા ચીટફંડ કૌભાંડ પછી તેમજ મુર્શીદાબાદમાં કોંગ્રેસના હરીફે તૃણમુલ ઉમેદવારને આપેલા પરાજય પછી તૃણમુલ કોંગ્રેસને અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે વૈમનસ્ય વધી ગયું છે. તેમાએ ૨૦૨૪ થી લોકસભાની ચૂંટણીમાં વિવિધ વિરોધ પક્ષોના નેતા બનવાની મમતા બેનર્જીની આકાંક્ષાઓ ઉપર રાહુલ ગાંધી વધી રહેલી પ્રતિભાને લીધે પાણી ફરી વળ્યું છે. તેથી મમતા બેનર્જીના તે ધમપછાડા છે. તેઓનો પક્ષ અને તેઓ પોતે મૂળ તો એક સમયે કોંગ્રેસમાં જ હતા પછીથી અહંકારના ટકરાવને લીધે છૂટાં પડી ગયાં. વાસ્તવમાં આજે પણ કોઇપણ વિપક્ષ કરતાં કોંગ્રેસ સૌથી વધુ બેઠકો લોકસભામાં તેમજ રાજ્યસભામાં ધરાવે છે. મમતા ગમે તેટલા ધમપછાડા કરે તો પણ તે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીનું સ્થાન લઈ શકે તેમ નથી. મમતા અંદરથી એટલી હદે ધૂંધવાયા છે કે દિલ્હીની મુલાકાત સમયે તેઓ લગભગ તમામ મહત્વના વિપક્ષી નેતઓને મળ્યા હતાં સોનિયા ગાંધી સિવાય.

નિરીક્ષકો ફરી સ્પષ્ટતઃ કહે છે, ચોવીસની ચૂંટણીમાં વિપક્ષી દળોનું નેતૃત્વ તો રાહુલ ગાંધીનાં હાથમાં જ રહેશે. મમતાને તે જ દુઃખે છે.



https://ift.tt/Ug57iRJ from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t9wpPCi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ