વડોદરા : ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓમાં આજે ધો.૧૦માં વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની તો ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ગણિત વિષય અને ધો.૧૨ કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયની પરીક્ષા લેવાઇ હતી. આ તમામ ત્રણ પેપરો એકંદરે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થઇ ગયા હતા.
ધો.૧૦માં આજે વિજ્ઞાાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષા હતી. વિષય શિક્ષક જપન જોશીના મતે પેપર પાઠયપુસ્તક પર આધારિત હતું, વિધાર્થીઓની અપેક્ષા મુજબનું જ હતું .વિભાગ એ ખૂબ જ સરળ હતો, અને એમ.સી.ક્યુ પણ પાઠય પુસ્તક આધારિત જ હતા આમ એકંદરે પેપર સામાન્ય વિદ્યાર્થીઓ પણ સારો સ્કોર કરી શકે એવુ હતું.
જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં આજે ગણિત વિષયનું પેપર હતું. વિષય શિક્ષક વિજય પટેલનું કહેવું છે કે પેપર સરળ અને સમય પહેલા પૂરું થઈ જાય તે પ્રકારનું હતું, વિભાગ 'એ' માં પૂછવામાં આવેલા એમ.સી.ક્યુ સંપૂર્ણપણે પાઠયપુસ્તક આધારિત હતા, જો કે ત્રણ એમસીક્યુ વિદ્યાર્થીઓની કસોટી કરી લે તેવા હતા વિભાગ બી માં પણ પૂછવામાં આવેલા દાખલાઓ પાઠય પુસ્તક અને તેના ઉદાહરણ આધારિત હતા.
તો ધો.૧૨ કોમર્સના વાણિજ્ય વ્યવસ્થાના પેપર અંગે વિષય શિક્ષક દિવ્યકાન્ત જોશીએ મંતવ્ય આપતા કહ્યું હતું કે પેપર સરળ હતું અને સંપૂર્ણપણે પાઠયપુસ્તક આધારિત અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જ હતું,પાછલા વર્ષોની તુલનાએ ખુબ જ સરળ અને સમય પહેલા પૂર્ણ થઈ જાય તે પ્રકારનું હતું.
ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં સોમવારે ૩૫ મિનિટ મોડી પહોંચતા વિદ્યાર્થિનીને પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ ના અપાયો
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ની પરીક્ષામાં આજે વિજ્ઞાાન અને ટેકનોલોજીનું પેપર આપવા સેન્ટર પર ૩૫ મિનિટ મોડી પહોંચેલી એક વિદ્યાર્થિનીને પરીક્ષા આપવા દેવામાં નહી આવતા વિદ્યાર્થિની રડી પડી હતી.
સાધુ વાસવાણી સ્કૂલમાં અભ્યાસ કરતી ધો.૧૦ની વિદ્યાર્થિની પ્રિયાંશીનો નંબર હરણી વિસ્તારની બ્રાઈટ સ્કૂલમાં આવ્યો છે. આજે વિજ્ઞાાન ટેકનોલોજીના પેપરની પરીક્ષા આપવા માટે પ્રિયાંશી ૩૫ મિનિટ મોડી પહોંચી હતી જેના પગલે તેને પરીક્ષા આપવા દેવામાં આવી નહતી. વાલીએ રજૂઆત કરી હતી કે પ્રિયાંશીનું આખુ વર્ષ બગડશે ત્યારે શાળા સંચાલકોએ કહ્યું હતું કે પેપર સીલ થઇ ગયા હોવાથી નિયમ પ્રમાણે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીનીને પ્રવેશ નહી મળે. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે અમારી ગાડી બગડતા અમે સેન્ટર પહોંચતા વાર લાગી હતી અને ૧૦.૩૫ વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ મારી દીકરીને પ્રવેશ આપવામાં આવ્યો નહતો.
જ્યારે બ્રાઇટ સ્કૂલના નીતા સંઘવીનું કહેવુ છે કે આજે પરીક્ષામાં વિદ્યાથની મોડી પહોંચી હતી. વાલીએ અમને રજૂઆત કરી હતી જેના પગલે અમે શિક્ષણાધિકારીની કચેરીનો અભિપ્રાય માગ્યો હતો ત્યાંથી અમને નિયમ અનુસરવા માટેનું કહેવામાં આવતા અમે નિયમ પ્રમાણે વિદ્યાર્થિનીને પ્રવેશ આપ્યો નહતો.
https://ift.tt/JyFHAwO
0 ટિપ્પણીઓ