જુની ગાડીની લે-વેચના શોરૂમના મેનેજરે છેતરપિંડી આચરી
સ્ટોકપત્રકની ચકાસણીમાં ભાંડો ફૂટયો ઉચાપત અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી
આણંદ: આણંદ-લાંભવેલ રોડ ઉપર આવેલ એક જુની ગાડીઓની લે-વેચ કરતા શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મોગરી ગામના શખ્શે ૧૮ જેટલી જુની ગાડીઓનું વેચાણ કર્યા બાદ રૂા.૨૪ લાખ જેટલી માતબર રકમની ઉચાપત કરતા મામલો વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ ખાતે માધાપર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ મેરી ગોલ્ડ એવન્યુના વતની અને હાલ બાકરોલ ગેટ પાસે વિનુકાકા માર્ગ ઉપર આવેલ શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા ધવલભાઈ અનિલકુમાર સુચક ચિખોદરા ચોકડી ખાતે આવેલ કટારીયા ઓટોમોબાઈલ્સમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
તેમની કંપનીનો આણંદ-લાંભવેલ રોડ ઉપર જુની ગાડીઓની લે-વેચનો ટ્રુ-વેલ્યુ નામનો શોરૂમ આવેલ છે. જ્યાં મોગરી ગામે રહેતા જીતેન્દ્રભાઈ મોહનલાલ ચૌહાણ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ઓક્ટોબર-નવેમ્બર-૨૦૨૨નું સ્ટોકપત્રક ચેક કરતા ૧૮ જેટલી જુની ગાડીઓ ઓછી હોવાનું માલુમ પડયું હતું.
જેથી આ બાબતે મેનેજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ ચૌહાણને પુછપરછ કરતા બ્રોકરોને ક્રેડીટ ઉપર આપી હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે એક અઠવાડિયામાં નાણાં આવી જશે તેમ જણાવ્યું હતું. બાદમાં ધવલભાઈ તથા અન્ય કંપનીના અધિકારીઓ દ્વારા ટ્રુવેલ્યુ શોરૂમ ખાતે જઈ જીતેન્દ્રભાઈ પાસેથી બ્રોકરોના મોબાઈલ નંબર મેળવી ફોન કરી સ્પીકર ઉપર વાત કરી નાણાંની માંગણી કરતા તેઓ દ્વારા જીતેન્દ્રભાઈને નાણાં આપી દીધા હોવાનું જણાવ્યું હતું. આ સમયે જીતેન્દ્રભાઈ દ્વારા બે માસની અંદર ગાડી વેચાણના આવેલા રૂા.૨૪ લાખ આપી દેવાની વાત કરી હતી.
જો કે આજદિન સુધી જીતેન્દ્રભાઈ ચૌહાણે ગાડી વેચાણના રૂા.૨૪ લાખ પરત ન આપતા આખરે ધવલભાઈએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે જીતેન્દ્રભાઈ મોહનલાલ ચૌહાણ (રહે.મોગરી) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
https://ift.tt/QGd7BD3
0 ટિપ્પણીઓ