- પાલિકા પોલીસના અનેક પ્રયાસ છતાં અહીં દબાણ દુર થતા ન હતા પણ
- ચૌટા બજારમાં અચાનક દબાણ દુર થતાં લોકોમાં ભારે આશ્ચર્ય : લોકોમાં એક જ ચર્ચા દબાણ કરનારા મોટા ભાગના એક સમુદાયના છે અને આજે તહેવાર હોવાથી આવ્યા નથી તેથી દબાણ નથી થયા
સુરત,તા. 3 મે 2022,મંગળવાર
સુરત મ્યુનિ.ના દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર, કાદરશાની નાળ કમાલ ગલી, ઝાંપા બજાર સહિતના અનેક વિસ્તારમાં આજે દબાણ ની સમસ્યા નહિવત જોવા મળી હતી. પાલિકા અને પોલીસ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે પણ માંડ એકાદ કલાક દબાણ દુર થાય છે પરંતુ આજે અચાનક જ દબાણ દુર થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનમાં આવેલા ચૌટા બજાર, કાદરશાની નાળ, કમાલ ગલી સહિતના અનેક વિસ્તાર દબાણ માટે કુખ્યાત છે. ચૌટા બજારમાં દબાણ એટલી હદ સુધીના છે કે સ્થાનિક લોકોએ પોતાના વાહન લઈને ઘરે જવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. આટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં ટ્રસ્ટની એક હોસ્પીટલ પણ દબાણના કારણે બીમાર પડી ગઈ છે ત્યાં સારવાર માટે જતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા માથાભારે દબાણ કરનારા અને સ્થાનિકો વચ્ચે બબાલ થતા સ્થાનિકો એ પોતાની ફોર વ્હીલ ગાડી રસ્તા વચ્ચે પાર્ક કરી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે દબાણ કરનારા સામે કાર્યવાહી કરવાના બદલે દબાણ નો ભોગ બનેલા ગાડી પાક કરી તેની સામે કાર્યવાહી કરવાનું કહેતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
આ દબાણ દુર કરવા માટે પાલિકા અને પોલીસ અનેક વખત પ્રયાસ કરી ચુકી છે સંયુક્ત રીતે કડક અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે થોડી વાર દબાણ હટી જાય છે પરંતુ પાલિકા અને પોલીસની ટીમ જેવી ચૌટા બજાર વિસ્તાર છોડે કે ગણતરીની મિનિટોમાં ફરીથી દબાણ થઈ જાય છે.
આ દબાણ પાલિકા કે પોલીસ હટાવી શકતા નથી પરંતુ આજે સવારથી અચાનક જ ચૌટા બજાર સહિતના અનેક વિસ્તારમાં દબાણ ગાયબ થઈ ગયા હતા.આજે સવારથી પાલિકા કે પોલીસ દ્વારા દબાણ દુર કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી તેમ છતાં અચાનક શહેરના અનેક વિસ્તાર દબાણ મુક્ત થઈ જતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.
સ્થાનિકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે આ વિસ્તારમા મોટા ભાગના દબાણ કરનારા એક જ સમુદાયના છે આજે તેમનો તહેવાર છે એટલે તહેવારની ઉજવણી માટે તેઓ આવ્યા નથી એટલે દબાણ થયા નથી પરંતુ કાલથી પાલિકા કે પોલીસ ગમે એટલી કામગીરી કરશે તો પણ દબાણ દુર થશે નહીં તે વાસ્તવિકતા છે.
https://ift.tt/yERs620 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Prja5KA
0 ટિપ્પણીઓ