અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે મોટાભાગનો પોલીસ સ્ટાફ પોલીસ બંદોબસ્તમાં હોવાને કારણે તસ્કરોને ઘરફોડ ચોરી કરવા માટેનું મોકળું મેદાન મળી ગયું છે. બુધવારે ચોરીની ત્રણ ઘટના બાદ શાહીબાગમાં આવેલા સુવિદ્યા પાર્ક એપાર્ટમેન્ટમાં નિવૃત ઇન્કમટેક્ષ અધિકારીના ફ્લેટમાંથી રૂપિયા ૮.૧૬ લાખની મતા અને બાજુના મકાનમાંથી રૂપિયા ૨૫ હજારની મતાની ચોરી થઇ હતી. આ ઉપરાંત, અન્ય એક મકાનમાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શાહીબાગ પટેલ સોસાયટીમાં આવેલા સુવિદ્યા પાર્ક એપાર્ટમેન્ટમાં ૭૩ વર્ષીય દક્ષાબેન પીઠવા વર્ષ ૨૦૦૯માં ઇન્કમટેક્ષ વિભાગમાંથી ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયા હતા. નિવૃતિ બાદ તે નિયમિત રીતે શાહીબાગ બીએપીએસ મંદિર ખાતે સેવા માટે જતા હતા. બુધવારે પણ બપોરે બે વાગે મંદિરે ગયા હતા અને પરત આવ્યા ત્યારે જોયુ તો તેમના ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને ૧૦ હજારની રોકડ ગુમ હતી. બાદમાં બહાર જઇને જોયું તો તેમની સામેના ફ્લેટનું તાળુ તુટેલું હતું અને બાજુના મકાનની તિજોરી તુટેલી હતી અને તેમાંથી રૂપિયા ૨૫ હજારની કિંમતના દાગીનાની ચોરી થઇ ચુકી હતી.બાદમાં પોતાના ઘરમાં જઇને તપાસ કરતા તેમના કુલ રૂપિયા ૮.૦૬ લાખની કિંમતની સોના-ચાંદીના દાગીના અને ૧૦ હજારની રોકડ સહિત રૂપિયા ૮.૧૬ લાખની મતા ચોરી થઇ હતી. જે અંગે ૧૦૦ નંબર પર કોલ કરતા પોલીસે સ્થળ પર આવી ફોરેન્સીક એક્સપર્ટની મદદથી ફીંગરપ્રિન્ટના પુરાવા લીધા હતા અને તપાસ શરૂ કરી હતી. જેમાં દિવસના સમયે ચોરી કરતી વિવિધ ગેંગ અંગે માહિતી એકત્ર કરવાની સાથે એપાર્ટમેન્ટની આસપાસના સીસીટીવીની ચકાસણી પણ શરૂ કરી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારમાં આવતા નેતાઓની સુરક્ષામા પોલીસ સ્ટાફ સતત વ્યસ્ત રહેતો હોવાથી સ્થાનિક લોકોની સુરક્ષા જોખમમાં મુકાઇ ગઇ છે.
https://ift.tt/6yqoc2A
0 ટિપ્પણીઓ