કોમર્સના પરિણામમાં ફરી છબરડો, ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ઝીરો માર્ક અપાયો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના પરિણામમાં ફરી એક વખત છબરડાની શક્યતાઓના કારણે ખળભળાટ વ્યાપ્યો છે.

ટીવાયબીકોમના વિદ્યાર્થીઓની છઠ્ઠા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષાઓ તા.૨૧ એપ્રિલથી શરુ થવાની છે અને તે પહેલા આજે સાંજે છઠ્ઠા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષાનુ પરિણામ જાહેર કરાયુ હતુ.જોકે પરિણામ જોઈને ઘણા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠયા છે.

કારણકે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એવા છે જેમને કોઈને કોઈ વિષયમાં પરીક્ષા આપી હોવા છતા ઝીરો માર્ક આપવામાં આવ્યો છે.ઈન્ટરનલ પરીક્ષા એમસીક્યૂ પધ્ધતિથી લેવામાં આવે છે ત્યારે કોઈ વિદ્યાર્થીના ઝીરો માર્ક આવે તેવી શક્યતા સાવ પાંખી રહેતી હોય છે. જ્યારે આજના પરિણામમાં તો ઝીરો માર્ક હોવાની ફરિયાદ સંખ્યાબંધ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.કેટલાક કિસ્સામાં તો બીજા વિષયોમાં વિદ્યાર્થીને ૩૦માંથી ૨૨ અને ૨૫ જેવા માર્કસ મળ્યા છે અને એક વિષયમાં ઝીરો માર્ક દર્શાવાયો છે.

વિદ્યાર્થી આગેવાનોનુ કહેવુ છે કે,૭૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓમાંથી ઝીરો માર્કસ મળ્યા હોય તેવા  વિદ્યાર્થીઓની સંખ્યા ૫૦૦ કરતા પણ વધારે છે.ડીન સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે.

પાંચમા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષાના પરિણામમાં પણ આ જ પ્રકારનુ ભોપાળુ સર્જાયુ હતુ અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ આ બાબતે ફેકલ્ટી સત્તાધીશો સમક્ષ અરજીઓ આપી હતી.તેમના માર્ક પણ પાછળથી સુધર્યા હતા.જોકે પાંચમા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં સુધારેલા માર્કસ નહીં ઉમેરાયા હોવાની ફરિયાદો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.આ પણ એક ગંભીર મુદ્દો છે.




https://ift.tt/lNiFLGA

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ