- પોલીસે ડુપ્લીકેટ ઈનોના 7000 પાઉચ, ખાલી બોક્સ, સ્ટીકર વિગેરે મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
સુરત,તા.22 જુલાઈ 2022,શુક્રવાર
સુરતના કતારગામ જૂની જીઆઈડીસી ગનીભાઈ કંપાઉન્ડના એક ખાતામાં કતારગામ પોલીસે ગુરુવારે મધરાત બાદ રેઈડ કરી ડુપ્લીકેટ ઈનો પેક કરતા યુવાનને ઝડપી પાડી ડુપ્લીકેટ ઈનોના 7000 પાઉચ, ખાલી બોક્સ, સ્ટીકર વિગેરે મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈનો બનાવતી કંપનીના અધિકારીઓ તેમજ ખાનગી ઈન્વેસ્ટીગેશન એજન્સીની હકીકતના આધારે કતારગામ પોલીસે ગુરુવારે મધરાત બાદ 12.20 ના અરસામાં કતારગામ જૂની જીઆઈડીસી ગનીભાઈ કંપાઉન્ડના ખાતા નં.38 માં રેઈડ કરતા ત્યાં વિરલ બાવચંદભાઈ કથીરીયા ( ઉ.વ.29, રહે.બી/2/803, વ્રજરાજ રેસિડન્સી, વ્રજચોક, સીમાડા નાકા, વરાછા રોડ, સુરત. મૂળ રહે.સરસીયા, તા.ધારી, જી.અમરેલી ) ડુપ્લીકેટ ઈનો પેક કરતો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી રૂ.63 હજારની કિંમતના ઈનો ફ્રૂટ સોલ્ટ લેમન ફ્લેવરના રૂ.9 ની કિંમતના 7000 નંગ ડુપ્લીકેટ પાઉચ, ઈનો ફ્રૂટ સોલ્ટ લેમન ફ્લેવરના સિક્સર પેકના 10 હજાર નંગ ખાલી બોક્સ, ઈનો ફ્રૂટ સોલ્ટ લેમન ફ્લેવરના 60 નંગના 8 હજાર નંગ ખાલી બોક્સ, ઈનોના 10 હજાર નંગ સ્ટીકર, ઈનો લખેલી 50 નંગ સેલોટેપ, ઈનોના ખાખી પુંઠાના 10 પેકના 110 બંડલ અને બે સ્ટેમ્પ બેચ નંબર, એમઆરપી અને એક્સપાયરી ડેટ લખવા માટેના કબજે કર્યા હતા.
પોલીસે વિરલ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી તે માલ ક્યાંથી લાવતો હતો, ક્યાં સપ્લાય કરતો હતો, કેટલા સમયથી આ ગોરખધંધો ચલાવતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
https://ift.tt/yw85BnP from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/O5DcYpw
0 ટિપ્પણીઓ