પદવીદાન સમારોહ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ હજી અધ્ધરતાલ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ  માટે દુઃસ્વપ્ન સાબિત થયેલો પદવીદાન સમારોહ પૂરો થઈ ગયા બાદ પણ વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ હજી પણ અધ્ધરતાલ છે.

પરીક્ષા વિભાગ દ્વારા ફેકલ્ટીઓમાં ડિગ્રી સર્ટિફિકેટ ક્યારે પહોંચાડાશે અને તેનુ વિતરણ કયારથી શરુ કરાશે તેની ખુદ ફેકલ્ટી ડીનોને પણ ખબર નથી.બે દિવસ પહેલા પદવીદાન સમારોહના આયોજનની સમીક્ષા કરવા માટે એક બેઠક મળી હતી અને તેમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.

પદવીદાન સમારોહમાં  માત્ર ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને જ ગોલ્ડ મેડલ સાથે ડિગ્રી એનાયત કરવામાં આવી છે.જયારે સમારોહમાં હાજર રહીને ડિગ્રી લેવાનો વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી.

સૂત્રોનુ કહેવુ છે કે, ડિગ્રી સર્ટિફિકેટનુ અને તેની સાથે સાથે ફોલ્ડરોનુ વિતરણ જે તે ફેકલ્ટીમાંથી જ કરવામાં આવશે.જોકે તે ક્યારે થશે તે અંગે  ફેકલ્ટી ડીનો પણ જાણકારી આપી શકે તેવી  સ્થિતિમાં નથી.આમ પદવીદાન સમારોહ યોજાઈ ગયાના પાંચ દિવસ પછી પણ ડિગ્રી સર્ટિફિકેટના વિતરણના હજી કોઈ ઠેકાણા પડયા નથી.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ૧૫૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટનુ વિતરણ કરવાનુ છે.પહેલા યુનિવર્સિટી હેડ ઓફિસ પર જ કાઉન્ટરો મુકીને આ સર્ટિફિકેટનુ વિતરણ કરાતુ હતુ પણ કોરોનાના સમયથી  આ જવાબદારી ફેકલ્ટીઓના માથે નાંખી દેવામાં આવી છે.




https://ift.tt/yUzlcmp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ