જ્ઞાનગુરૂ ક્વિઝનાં વિજેતાઓનાં ખાતામાં હજુ પણ રોકડ પુરસ્કાર જમા થયેલ નથી


- મોટા ઉપાડે પ્રચાર પ્રસાર કરાયા બાદ

- પુરસ્કાર અપાયા નથી ત્યાં રાષ્ટ્રીય એકતા ક્વિઝની નવી જાહેરાતથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં

ભાવનગર : શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં મોટા પાયે પ્રચાર કરતા મહત્તમ વિદ્યાર્થીઓને જ્ઞાનગુરૂ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો ને રોકડ ઈનામો જાહેર કર્યા મુજબ ઈનામની રકમ પણ આવી ગઈ પરંતુ ખાતામાં જમા થયા નથી. દરમ્યાન રાષ્ટ્રીય એકતા ક્વિઝનું નવુ આયોજન જાહેર કરવામાં આવ્યું છે. આમ જુની સ્પર્ધાનાં ઈનામો બાકી છે ત્યાં નવી સ્પર્ધા યોજી તંત્ર શું સાબિત કરવા માંગે છે.

શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનગુરૂ ક્વિઝ સ્પર્ધા તાલુકા, જિલ્લા કક્ષાએ ઓનલાઈનના માધ્યમથી મોટા પાયે યોજાઈ હતી. નોડલ નિમાયા હતા અને કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો પણ હતો અને ભાવનગર જિલ્લામાંથી ૯૭૩ વિદ્યાર્થીઓ રોકડ પુરસ્કાર જીત્યા હતા. જ્યારે જે તે સમયે ફોર્મ ભરતી વેળાએ એકાઉન્ટ નંબર ભુલ ભરેલા નાખવાથી પુરસ્કારની આવેલ ૧૫ લાખ જેવી રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા થઈ શકી નથી અને અટકી પડી છે. જો કે આ રકમ ચુકતે કરવા નવી કાર્યપધ્ધતિ અંગે ગાંધીનગર વડી કચેરી ખાતે માર્ગદર્શન માંગતા હજુ સુધી કોઈ પ્રત્યુતર આવ્યો નથી. જેના કારણે એકાઉન્ટ નંબર સુધારવા અંગેની પણ કોઈ કાર્યવાહી હજુ સુધી નહીં થતાં વાલી-વિદ્યાર્થી રોકડ પુરસ્કારની રાહ જોઈ બેઠા છે પણ કોઈ જ માર્ગદર્શન નહીં આવતા સમગ્ર પ્રશ્ન ટલ્લે ચડેલો છે. જે વાતથી વિભાગ પણ સારી રીતે પરિચિત હોવા છતાં તાજેતરમાં નવો પરીપત્ર કરીી એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત વિવિધ મુદ્દાઓને આવરી રાષ્ટ્રીય એકતા ક્વિઝ યોજવામાં આવેલ છે. જે તા. ૩૦-૧૧ સુધી લાઈવ બનાવેલ હોવાનું જણાયું છે અને શાળાઓને આ સ્પર્ધામાં ભાગ લેવા પણ સુચના અપાઈ છે. આમ એક એપીસોડ હજુ પૂર્ણ થયો નથી ત્યાં બીજાનું કામ શરૂ કરી દેવાયું છે. જેને લઈ વિદ્યાર્થીઓ પણ અસમંજસમાં મુકાયા છે.



https://ift.tt/R5UDgj0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ