- પ્રદેશ પ્રમુખના બે વર્ષ પુરા થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું
- શિક્ષણ સમિતિના અધ્યક્ષએ શાળામાં કરેલી ઉજવણી વિવાદનું કારણ બની ;ઉજવણીના બેનર બાળકો પાસે પકડાયા, શાળામાં સફાઈની કામગીરી પર ધ્યાન ન અપાયું
સુરત,તા.21 જુલાઈ 2022,ગુરૂવાર
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના બે વર્ષના કાર્યકાળ પૂરો થતાં ભાજપે સેવાકીય કાર્ય કરી ઉજવણી કરી હતી. જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળામાં કરેલી ઉજવણી હાલ વિવાદનું કારણ બની ગઈ છે. શિક્ષણ સમિતિ અધ્યક્ષે ઉત્સાહના અતિરેકમાં શાળામાં કચરાના ઢગ ની બાજુમાં જ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન કરાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ રાજકીય બેનર વિદ્યાર્થીઓ પાસે પકડાવીને કાર્યક્રમ કર્યો હતો તેથી વિવાદ ઉભો થયો છે.
સુરત ભાજપના નગર સેવકો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા સી.આર.પાટીલને પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા થતા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ અને સભ્યો વિવેક ભાન ભૂલ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના બેનર વિદ્યાર્થીઓના હાથમાં પકડાવવામાં આવ્યા હતા અને તેની નીચે શાસકોએ ફોટોસેશન કર્યો હતો.
એટલું જ નહીં સ્કૂલમાં મધ્યાહન ભોજન પીરસ્યો તેના પણ ફોટો સેશન પણ કરાયા હતા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં શાળાના બાળકો ભોજન કરી રહ્યા છે તેની બાજુ કચરાના ઢગ જોવા મળે છે. અને આ કચરાના ઢગ પાસે જ વિદ્યાર્થીઓને બેસાડ સમિતિ અધ્યક્ષ ભોજન પીરસી રહ્યાં છે. શિક્ષણ સમિતિ અધ્યક્ષે બાળકોને કચરાના ઢગ પાસે ભોજન કરાવતા વિવાદ ઉભો થયો છે. શિક્ષણ સમિતિ સમિતિમાં સફાઈના મસ મોટા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સફાઈના કોન્ટ્રાક્ટ અપાયા છતાં પણ સમિતિની શાળામાં કચરાના ઢગ અને સફાઈનો અભાવ કામગીરીમાં કૌભાંડ થયું હોવાની ચાડી ખાઈ રહ્યાં છે.
શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા ભાજપનો પ્રચાર કરવાની લ્હાય શિક્ષણ સમિતિ અધ્યક્ષ છે સ્કૂલના કુમળા બાળકો નો ઉપયોગ કર્યા નો આક્ષેપ થઈ રહ્યો છે. સોશિયલ મિડિયામાં વાયરલ થયેલો એક ફોટો એવો છે જેમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેસીને બાળકોને ભાષણ આપી રહ્યા છે અને તેમની પાછળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને બે વર્ષ પુરા થયા તેના અભિનંદન આપતા એક બેનર છે. આ બેનર સમિતિની સ્કૂલની એક વિદ્યાથીની તથા બીજી તરફ વિદ્યાર્થીએ પકડ્યું છે. ભાજપના પ્રચાર માટે શિક્ષણ સમિતિના બાળકોને ઉભા કરી દેવામાં આવ્યા હતા તેના કારણે વિવાદ થયો છે.
ગઈકાલે સુરત શહેરની અનેક સ્કૂલ માં આ રીતે સી.આર.પાટીલના બે વર્ષ પુરા થયા ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પ્રચારમાં બાળકનો ઉપયોગ કરાયો અને કચરાના ઢગલા પાસે બાળકોને ભોજન અપાયું તે ઘટના બની છે. પરંતુ હજી સુધી શિક્ષણ સમિતિના વિરોધ પક્ષ કે પાલિકાના વિરોધ પક્ષ દ્વારા કોઈ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો નથી તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
https://ift.tt/FC3NWug from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0KONnWh
0 ટિપ્પણીઓ