વડોદરા, તા.21 દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં આવેલા ભૂંકપના આંચકાના પગલે વડોદરામાં આવેલી બહુમાળી ઇમારતોમાં પણ આંચકો અનુભવતા લોકો ગભરાટના કારણે ઇમારતમાંથી નીચે દોડી આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે દિલ્હી અને એનસીઆરમાં રાત્રે સવા દશ વાગ્યાની આસપાસ ધરતીકંપ આવ્યો હતો અને તેની સાથે જ વડોદરામાં પણ બહુમાળી બિલ્ડિંગમાં રહેતા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતાં. શહેરના સમા-સાવલીરોડ પર આવેલ સ્કાયમાર્ક નામની ૯ માળની બિલ્ડિંગમાં લોકોએ ધરતીકંપના આંચકા અનુભવ્યા હતાં. આ બિલ્ડિંગમાં રહેતા કિરણભાઇ શાહે જણાવ્યું હતું કે ભૂકંપના આંચકાના પગલે અમે બધા જ નીચે દોડી આવ્યા હતાં. આ અંગે કલેક્ટરને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઇ હતી જો કે કોઇ નુકસાન થયું નથી.
આ ઉપરાંત શહેરના માણેજા, વેમાલી, હરણી વિસ્તારમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં આવેલા કોલ સેન્ટર તેમજ અન્ય રહેણાંક બિલ્ડિંગોના રહીશોએ પણ હળવો ભૂકંપ અનુભવતા લોકો નીચે દોડી આવ્યા હતાં. આ અંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે ગાંધીનગર સિસ્મોલોજીના રિપોર્ટ મુજબ રાજ્યમાં કોઇ સ્થળે ભૂકંપના ઝટકા મહેસૂસ થયા નથી પરંતું વડોદરામાં કેટલાંક લોકોને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ભૂકંપ આવ્યો તેવો અહેસાસ થતા લોકો નીચે દોડી આવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં રાજમહેલ સામે આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગ કુંજ પ્લાઝામાં પણ લોકો ભૂકંપના પગલે નીચે દોડી આવ્યા હતાં. ફાયર બ્રિગેડમાં પણ ત્રણ કોલ આવતાં લાશ્કરોની ટીમ દોડી ગઇ હતી અને કોઇ મુશ્કેલી હોય તો રહીશોને જણાવવા કહ્યું હતું. જો કે લોકોએ માત્ર ભૂકંપના આંચકા જ અનુભવ્યા હતા પરંતુ કોઇ જાનહાની કે માલહાની થઇ નથી.
https://ift.tt/rgAM4Fj
0 ટિપ્પણીઓ