- સ્વાદથી નહીં, બેક્ટેરિયાથી ભરપૂર મીઠાઈઃ ફૂડ પોઈઝનિંગનું જોખમ, નમૂના લેવાયા, અનસેઈફ જણાય તો દંડ અને જેલસજાની જોગવાઈ
રાજકોટમાં તહેવારો પર કેટલાંક ઉત્પાદકો વાસી અખાદ્ય મીઠાઈ પ્રજાજનોને પધરાવી દેતા હોય છે અને મનપા મોડેમોડે તેનું સેમ્પલિંગ કરતી હોવાથી ઘોડા નાસી ગયા પછી તબેલે તાળાં દેવા જેવો ઘાટ સર્જાતો હોય છે એવામાં આ વખતે દશેરા પર જ ઘોડું દોડાવાતું હોય એમ બીજા નોરતે તપાસ આદરીને બે સ્થળે જૂની મીઠાઈને રીફ્રેશ કરીને વેચવાનું કારસ્તાન પકડી લેવાયું છે.
ભોળાં અને અજાણ શહેરીજનો ચોક્કસ સ્થળેથી મળતી મીઠાઈ તો શુધ્ધ જ હોય એવું માનીને ત્યાંથી કિલોમોઢે ખરીદી કરતા હોય છે, પરંતુ તેમાં પણ છેતરાઈ જવાની અને બીમાર પડવાની ભીતિ નકારી શકાતી નથી એવું આજના દરોડા પરથી કળી શકાય છે. રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગે જામનગર રોડ પર શેઠનગર શોપિંગ સેન્ટરમાં આવેલી જય ખોડિયાર ડેરી ફાર્મના માધાપર- નંદનવન સોસાયટી સ્થિત ઉત્પાદન યુનિટ જે.કે. સ્વિટમાં ચકાસણી કરતાં બહાર આવ્યું હતું કે જૂની- વણવપરાયેલી મીઠાઈનો જથ્થો અહીં કોલ્ડ સ્ટોરેજમાં સંઘરી રાખવામાં આવ્યો હતો, જેને રીફ્રેશ કરીને ફરીથી માર્કેટમાં તેનું વેચાણ કરવામાં આવનાર હતું. અહીં વાસી- અખાદ્ય અંજીર બરફી, ચોકલેટ બરફી તેમજ અન્ય મીઠાઈ બિન આરોગ્યપ્રદ રીતે સ્ટોર કરાયાનું જણાયું હતું, જેથી ફરી ઉપયોગમાં ન લેવાય એ માટે ૧૧૦ કિલો મીઠાઈનો સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. એ જ રીતે, જામનગર રોડ માધાપર ગેઈટ પાસે ભવનાથ પાર્ક ખાતે શ્રી જલારામ જાંબુવાળાને ત્યાં ચકાસણી કરાતાં ત્યાં પણ ફ્રીઝમાં સંગ્રહિત મીઠાઈનો જથ્થો રીફ્રેશ કરી પુનઃ માર્કેટમાં વેચાણ માટે રખાયાનું જણાતાં વાસી- અખાદ્ય પેંડા, કેસર પેંડા, થાબડી, બરફી, અંગુર પનીર વગેરેનો ૭૦ કિલો જથ્થો ઉપરાંત એક્સપાયરી થયેલ ૩ કિલો ફૂડ કલરનો નાશ કરાયો હતો.
મનપાના સૂત્રોએ જણાવ્યું કે જે.કે. સ્વિટમાં રોજનું ૮૦ કિલો અને જલારામ જાંબુવાળા દ્વારા રોજનું ૫૦થી ૬૦ કિલો ઉત્પાદન કરાતું હતું. બંને સ્થળેથી અનુક્રમે ઓરેન્જ ચમચમ અને મોતીચૂર લાડુનાં નમૂના પણ લેવાયા છે તથા હાયજિનિક સ્ટોરેજ બાબતે નોટિસ પણ અપાઈ છે. નમૂના જો સબ સ્ટાન્ડર્ડ ખૂલે તો ૫ લાખ સુધીના દંડની તથા અન સેઈફ નીકળે તો દંડ ઉપરાંત ૬ માસની જેલસજાની પણ જોગવાઈ છે.
એક વાર દૂધ ગરમ કર્યા પછી તેમાંથી મીઠાઈ બને, તે પછી તેને કોલ્ડ સ્ટોરેજમાં રખાય, ત્યારબાદ ફરી ગરમ કરવામાં આવે એમ વારંવારના ટેમ્પ્રેચર ડિફરન્સને કારણે તેમાં બેક્ટેરિયલ ગ્રોથ વધી જતો હોય છે, અને તે ખાવાથી ફૂડ પોઈઝનિંગ- ઝાડા ઉલ્ટી થવાની ભીતિ રહે છે.
ફ્રિઝકોલ્ડ મીઠાઈ ગરમ કરીને વેચાણ, પેંડામાં કલર નાખીને બનાવાય થાબડી!
આવા કિસ્સામાં ફેકી દેવાપાત્ર મીઠાઈમાંથી પણ આવક રળી લેવા માટે કેવાં કેવાં નુસખાં કરાતા હોય તે બાબતે મનપાના ડેઝિગ્નેટેડ ઓફિસર અમિત પંચાલે કહ્યું કે દ્રષ્ટાત તરીકે જોઈએ તો રક્ષાબંધન પર બનાવેલી પરંતુ નહીં વેચાયેલી મીઠાઈ કોલ્ટ સ્ટોરેજમાં સંઘરીને નવરાત્રિ- દશેરા નિમિત્તે બહાર કાઢી ગરમ કરી વેંચી દેવા જેવી મોડસ ઓપરેન્ડી ઉપરાંત કેટલાંક ઉત્પાદકો જૂનો- નવો માવો મિક્સ કરીને કલર ભેળવી મીઠાઈ બનાવવાનું અથવા જૂના- વધેલા પેંડામાં કલર મિક્સિંગ થકી થાબડી બનાવી નાખવાનું પણ ચૂકતાં નથી! આ રીતે 'ફ્રેશ'નાં નામે વાસી મીઠાઈ વેચાણમાં મૂકીને ગેરરીતિ છૂપાવવા ચોકી ઉપર મીઠાઈ કઈ તારીખે બની એ દર્શાવી દેવાય છે!
https://ift.tt/jVGIurU
0 ટિપ્પણીઓ