- અમેરિકાના તટે ટકરાયેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું
- સેનિબેલ ટાપુને જોડતો પુલ ધરાશાયી : ફ્લોરિડામાં જળબંબાકાર, ઠેર-ઠેર ઘરમાં પાણી ભરાતા જનજીવન ઠપ
- 250 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો : મોબાઈલ નેટવર્ક બંધ થઈ જતાં લોકોને મદદ મેળવવાનું મુશ્કેલ બન્યું
સેન્ટ પીટર્સબર્ગ : અમેરિકામાં ઈયાન વાવાઝોડાંએ હાહાકાર મચાવ્યો છે. નેશનલ હેરિકેન સેન્ટરે લોકોને ચેતવણી આપી છે. ફ્લોરિડામાં બચાવ ટૂકડીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. અમેરિકા પર ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડાંમાં ઈયાનનો સમાવેશ થઈ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.
અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે જીવના જોખમની ચેતવણી આપી હતી અને આ વાવાઝોડાંને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડાં પૈકીનું એક ગણાવ્યું છે. ફ્લોરિડાના કાંઠે ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંનો વિસ્તાર ૬૫૦ કિલોમીટર સુધી ફેલાયેલો હતો. તીવ્ર પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોબાઈલ ટાવરોમાં નુકસાન થઈ જતાં મોબાઈલ નેટવર્કને વ્યાપક અસર થઈ હતી. સૌથી વધુ અસર ફ્લોરિડાના લી કાઉન્ટીમાં થઈ હતી. લી કાઉન્ટીના શેરિફે કહ્યું હતું કે મોબાઈલમાં નેટવર્ક આવતું ન હોવાથી એકબીજાનો સંપર્ક તૂટી ગયો છે. લાઈન સતત વ્યસ્ત આવતી હોવાથી મુશ્કેલી પડી રહી છે. લોકોને મદદ પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
સેનિબેલ ટાપુને લી કાઉન્ટી સાથે જોડતો એકમાત્ર બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. તેના કારણે ટાપુ સાથે જમીની સ્તરે સંપર્ક કમાઈ જતાં હેલિકોપ્ટર્સની મદદથી રાહત કામગીરી કરવામાં આવી રહી છે. ટાપુની વસતિ ૬૫૦૦ હજાર જેટલી છે. લી કાઉન્ટી અને તેની આસપાસમાં ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી. લગભગ ૨૫ લાખ ઘરોમાં અંધારપટ્ટ થઈ જતાં લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા હતા. ફ્લોરિડાની ૧૨ કાઉન્ટીમાં સદંતર વીજળી ગૂલ થઈ ગઈ હતી. ંએક હોસ્પિટલનું છાપરું તીવ્ર હવાથી ઉડી ગયું હતું. હોસ્પિટલના આઈસીયુમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને તાત્કાલિક ખસેડવાની મથામણ શરૂ કરવામાં આવી હતી.
નેશનલ હેરિકેન સેન્ટરે આ વાવાઝોડાંને મોન્સ્ટર-૪ની કેટેગરીમાં મૂક્યું છે. કેટલાય સ્થળોએ મકાનો પાણીમાં તરતાં જોવા મળ્યા હતા. તો કાર સહિતના વાહનો પણ પાણીમાં તણાયા હતા. લી કાઉન્ટીના ઘણાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.
ફ્લોરિડા ઉપરાંત જ્યોર્જિયા, દક્ષિણ કેરોલિના, ઉત્તર કેરોલિના, વર્જિનિયા સહિતના રાજ્યોના ગવર્નરોએ કટોકટી જાહેર કરી દીધી છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HXj3Jr9 https://ift.tt/JIhGma9
0 ટિપ્પણીઓ