- નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો
- ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
યુજીન, તા. 24 જુલાઈ 2022, રવિવાર
ટોક્યો ઓલમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની પુરૂષોની જેવલિન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. નીરજે ચોથા પ્રયત્નમાં 88.13 મીટરના પોતાના સર્વશ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ પોતાની ઝોળીમાં મેળવ્યો છે.
ભારતને 19 વર્ષ બાદ મેડલ
નીરજ ચોપરાના કારણે 19 વર્ષ બાદ કોઈ ભારતીયને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેડલ મળ્યો છે. અગાઉ 2003માં અંજૂ બોબી જોર્જે મહિલા લોન્ગ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
નીરજ ચોપરાની પહેલી એટેમ્ટ ફાઉલ રહી હતી જ્યારે બીજી એટેમ્પ્ટમાં તેમણે 82.39 મીટરનો થ્રો કર્યો હતો. જોકે તે તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનથી ઘણું દૂર હતું. બીજી બાજુ ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે પ્રથમ એટેમ્પ્ટમાં જ 90 મીટર પાર કરી લીધા હતા. તેમણે સતત 3 એટેમ્પ્ટમાં 90.46, 90.21 અને 90.46 મીટરનો થ્રો કરીને પોતાનો મેડલ લગભગ પાક્કો કરી લીધો હતો.
નીરજે ત્રીજી એટેમ્પ્ટ દરમિયાન પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો હતો અને 86.37 મીટરના થ્રો સાથે ચોથા નંબરે પહોંચી ગયા હતા. ભારતીય સ્ટાર નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટનરો થ્રો કરીને બીજો નંબર મેળવ્યો છે. નીરજનું આ પ્રદર્શન ઓલમ્પિક કરતાં પણ શાનદાર રહ્યું. ઓલમ્પિકમાં નીરજે 87.58 મીટરના જેવલિન થ્રો સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
અમેરિકાના યુજીન ખાતે રમાયેલી ચેમ્પિયનશિપની ફાઈનલમાં નીરજે સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નીરજ ચોપરા ઉપરાંત રોહિત યાદવ પણ આ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઉતર્યા હતા. જોકે તેઓ 10મા નંબર પર રહીને ફાઈનલમાં મેડલની રેસમાંથી બહાર થયા હતા.
નીરજના 3 થ્રો રહ્યા ફાઉલ
પહેલો થ્રો- ફાઉલ
બીજો થ્રો- 82.39 મીટર
ત્રીજો થ્રો- 86.37 મીટર
ચોથો થ્રો- 88.13 મીટર
પાંચમો થ્રો- ફાઉલ
છઠ્ઠો થ્રો- ફાઉલ
એન્ડરસને 90.54 સાથે જીત્યો ગોલ્ડ
એન્ડરસન પીટર્સે ફાઈનલમાં શરૂઆતના 2 થ્રો સતત 90થી વધુ મીટર સુધીના કર્યા હતા. આ સાથે જ તેણે ફાઈનલમાં 90.54 મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં નીરજના સાથે અન્ય એક ભારતીય રોહિત યાદવ હતા. તેઓ શરૂઆતના 3 થ્રો બાદ ટોપ-8માં સ્થાન નહોતા મેળવી શક્યા અને મેડલની રેસમાંથી બહાર થઈ ગયા હતા.
આ પણ વાંચોઃ નીરજ ચોપરા જેવલીન થ્રોની ફાઈનલમાં, ક્વોલિફાઈંગમાં બીજા સ્થાને રહ્યો
0 ટિપ્પણીઓ