શાહરૂખની સત્તાવાર જાહેરાત ‘જવાન ’ એક વર્ષ પછી રિલીઝ થશે

મુંબઇ, તા. 3 જુન 2022,શુક્રવાર

શાહરૂખ ખાને તેની એટલીનાં દિગ્દર્શન હેઠળ બની રહેલી ફિલ્મનાં ટાઈટલ અને રિલીઝ ડેટની આખરે સત્તાવાર ઘોષણા કરી દીધી છે. શાહરૂખની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ દ્વારા દોઢ મિનીટનું ટાઈટલ એનાઉન્સમેન્ટ ટિઝર રિલીઝ કરાયું હતું. તે અનુસાર ફિલ્મ આવતાં વર્ષે બીજી જુને રિલીઝ થશે. 

આ ફિલ્મનું શૂટિંગ પહેલાં કોરોના લોકડાઉન અને બાદમાં આર્યન ખાન સામે થયેલા ડ્રગના આરોપોને લીધે અટકી પડ્યું હતું. જોકે, હવે તે પુનઃ શરૂ થયું છે. ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા અને સાન્યા મલ્હોત્રાની ભૂમિકા છે. 

ટીઝર પરથી ખ્યાલ આવે છે તેમ આ એક એક્શન ફિલ્મ હશે. શાહરૂખને કોઈ હુમલા માટે જુદી જુદી ગન સાથે સજ્જ થતો દેખાડાયો છે અને તેનો ગેટઅપ પણ એક વયસ્ક વ્યક્તિનો છે. 

અગાઉ કેટલાક અહેવાલો અનુસાર આ ફિલ્મની વાર્તા અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની ફિલ્મ શક્તિ પર આધારિત છે અને પિતા-પુત્ર બંનેના ડબલ રોલ શાહરૂખ ખાન જ ભજવી રહ્યો છે.  

શાહરૂખની મુખ્ય હિરો તરીકેની છેલ્લી ફિલ્મ ઝીરો 2018માં આવી હતી. હવે તેની ફિલ્મ પઠાણ આગામી વર્ષે જાન્યુઆરીમાં અને ટાઈગર થ્રી આગામી વર્ષે એપ્રિલમાં આવવાની છે. રાજકુમાર હિરાણી સાથેની ડંકી ફિલ્મની તાજેતરમાં ઘોષણા થઈ છે. તેના માટે કામચલાઉ રીતે આગામી વર્ષના ડિસેમ્બરની રિલીઝ ડેટ નક્કી થઈ છે. 

મતલબ શાહરૂખની ચાર વર્ષ સુધી એકપણ ફિલ્મ રિલીઝ નહીં થયા બાદ હવે આવતાં વર્ષે 2023માં એકસાથે ચાર ફિલ્મ વારાફરતી રિલીઝ થઈ શકે છે.



https://ift.tt/pE6r7CY

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ