બોલિવુડ પર ફરી ડ્રગ્સનો ઓછાયોઃ શ્રદ્ધા કપૂરનો ભાઈ એક્ટર સિદ્ધાંત કપૂર બેંગ્લુરુમાં રેવ પાર્ટીમાં ઝડપાયો


મુંબઈ, તા. 13 જૂન 2022, સોમવાર

બોલિવુડમાં ફરી ડ્રગ્સનો વિવાદ શરૂ થવાનાં એંધાણ છે. શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત કપૂર બેંગ્લુરુમાં ડ્ર્ગ્સ પાર્ટીમાં ઝડપાયો છે.  

બેંગ્લુરુ પોલીસે રવિવારે રાતે એમ. જી. રોડ પર એક હોટલમાં બાતમીના આધારે છાપો માર્યો હતો. ત્યાંથી સિદ્ધાંત સહિત 6 લોકો ઝડપાયા હતા. તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. સિદ્ધાંતના બ્લડ સેમ્પલમાં તેણે ડ્રગનું સેવન કર્યું હોવાનું જણાતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 

શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાંત છેલ્લે અમિતાભ બચ્ચન અને રિયા ચક્રવર્તીની ફિલ્મ ચેહેરેમાં દેખાયો હતો. તે ડાયરેક્ટર પ્રિયદર્શનની ભાગમભાગ અને ભૂલભૂલૈયા સહિતની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ રહી ચૂક્યો છે. 


ઉલ્લેખનીય છે કે, સુશાંતસિંહના મોત બાદ બહાર આવેલા બોલિવુડ ડ્રગ કેસમાં શ્રદ્ધા કપૂરની પણ એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધાએ ત્યારે પોતે ડ્રગ્સનું સેવન કરતી હોવાનો ઈનકાર કર્યો હતો. શ્રદ્ધા કપૂર હાલ રણબીર કપૂર સાથે સ્પેનમાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

શક્તિ કપૂરનું રીએકશન : આવું બને જ નહિ 

અભિનેતા શક્તિ કપૂરને વહેલી સવારે ટીવી પર ન્યુઝ જોઇને ખબર પડી હતી કે તેમના પુત્ર સિદ્ધાંતની બેંગલુરુમાં અટકાયત થઈ છે. 

મીડિયા સાથે વાતચીતમાં શક્તિ કપૂરે જણાવ્યું હતું કે આવું બનવાજોગ જ નથી. આ સાચું ન જ હોઈ શકે. તેમણે દાવો કર્યો હતો કે સિદ્ધાંતને માત્ર અટકાયતમાં લેવાયો છે, તેની ધરપકડ થઈ નથી. 

શક્તિના જણાવ્યા અનુસાર સિદ્ધાંત ડિસ્ક જોકી તરીકે કામ કરે છે. આથી તે અવારનવાર પાર્ટીઓમાં જાય છે. બેંગલુરુ પણ તે કોઈ પાર્ટી માટે ડીજે તરીકે ગયો હતો. પણ આ જે દરોડો પડ્યો એ જ પાર્ટી છે કે નહિ તે મને ખબર નથી.



https://ift.tt/E4YuTdw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ