નડિયાદમાં યુવકનું અપહરણ કરનાર 4 શખ્સોને 5 વર્ષની સખત કેદ


- નડિયાદની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટનો ચૂકાદો 

- ટેટુ બનાવવાનું કામ કરતા યુવકનું  અપહરણ કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી

નડિયાદ : નડિયાદ ગ્લોબ સિનેમા નજીક રહેતા અને ટેટુ પાડવાનો ધંધો કરતા એક યુવકને નડિયાદના ચાર ઈસમો કોઈ અંગત કારણોસર અપહરણ કરી પીપલગ કેનાલ પર લઈ જઈ લાકડાના ડંડાથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઈસમોએ યુવકનો ટેટુ પાડવાનો સામાન કેનાલના પાણીમાં ફેંકી દઈ નુકસાન પહોંચાડયું હતું. 

આ બનાવ સંદર્ભે ભોગ બનનાર યુવકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ તથા રાયોટિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે પોલીસે નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે અંગેનો કેસ નડિયાદની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે તમામ આરોપીઓને પાંચ વર્ષ સખત કેદની સજા તથા રૂ.૫૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ ગ્લોબ સિનેમા પાછળ હરિજનવાસમાં દક્ષિતભાઈ ઉર્ફે દક્ષેશ ઉર્ફે દખો તુલસીભાઈ મહીડા પોતાના પરિવાર સાથે રહે છે. તે ટેટુ પાડવાનો ધંધો કરે છે. દરમિયાન તા.૧૦/૯/૨૦૧૭ ના રોજ કિરણ દતુરામ મોરેનાઓએ તેના કોઈપણ અંગત કારણોસર પોતાના મિત્રો સુલતાન અલીમ સૈયદ, જાવેદ ખાન સલીમ ખાન પઠાણ તથા કરણ બાબુભાઈ મારવાડીની મદદથી ગ્લોબ સિનેમા નજીકથી એકટીવા સ્કૂટર પર અપહરણ કરી નેશનલ હાઇવે નંબર-૮ પીપલગ સીમમાંથી પસાર થતી કેનાલ પાસે લઈ ગયા હતા. જ્યાં સુલતાન સૈયદ, જાવેદ ખાન પઠાણ તથા કરણ મારવાડીએ લાકડાના ડંડાથી માર મારી તેનો સામાન કેનાલના પાણીમાં ફેંકી દીધો હતો. સાથે સાથે તેનો મોબાઈલ પણ ફેંકી દીધો હતો. આ સંદર્ભે દક્ષિત મહિડાએ શહેર પોલીસ મથકે ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ નડિયાદની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે પી.પી.પુરોહિતે સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ  દરેક આરોપીને ઇપીકો કલમ ૧૪૩ સાથે વચતા ૧૪૯ ના કામે ૬ માસની સખત કેદની સજા તથા રૂ. ૧,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજા, ઇપીકો કલમ ૩૬૫ સાથે વાંચતા ૧૪૯ ના કામે ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા ઇપીકો કલમ ૧૨૦(બી) સાથે વાંચતા ૧૪૯ ના કામે ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂ ૫,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા તથા આરોપીઓ દંડ ભરેથી દંડની રકમમાંથી ફરિયાદી ઇજા પામનારને રૂ ૨૫,૦૦૦ સારવાર ખર્ચ પેટે ચુકવી આપવાનો હુકમ કરેલ છે.



https://ift.tt/7zRSytY

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ