નવી દિલ્હી, તા.૯
ભારતમાં કૂદકે ને ભૂસકે વધતી મોંઘવારીને કાબુમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ઘઉં અને ખાંડ પછી હવે ઘઉંના લોટ, મેંદા અને સોજીની નિકાસ પર ૧૪મી ઓગસ્ટથી પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ અંગે ડીજીએફટી દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરાયુ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના પરિપત્ર અનુસાર ઘઉંના લોટ, સોંજી અને મેંદાના નિકાસકારો ક્વોલિટી સર્ટિફિકેટ વગર તેની નિકાસ કરી શકશે અને આ નિકાસ પ્રતિબંધ ૧૪મી ઓગસ્ટથી લાગુ થશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ૮મીથી ૧૪મી ઓગસ્ટ વચ્ચે મેંદા અને સોજીના માત્ર એ કન્સાઇનમેન્ટની નિકાસને મંજૂરી અપાશે, જે આ નોટિફિકેશન જાહેર થયા પહેલાં જહાજ પર લોડ થયા હશે અથવા તે માલ કસ્ટમને સોંપવામાં આવેલ હોય અને સિસ્ટમમાં નોંધાયેલ હોય તો તેને ૧૪ ઓગસ્ટ પહેલા નિકાસ માટે મોકલી શકાશે. નવી પોલિસી હેઠળ ઘઉંના લોટ, સોજી અને મેંદાની નિકાસ માટે પણ સમિતિની મંજૂરી જરૂરી રહેશે.
સરકારે જાહેર કરેલા સર્ક્યુલર મુજબ આઈએમસી દ્વારા મંજૂરી અપાયેલ બધા જ શિપમેન્ટની નિકાસની મંજૂરી માટે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં એક્સપોર્ટ ઈન્સ્પેક્શન કાઉન્સિલ કાઉન્સિલના ગુણવત્તા પ્રમાણપત્રની જરૂર પડશે.
આ અગાઉ સરકારે મે મહિનાના મધ્યમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી, કારણ કે કાળઝાળ ગરમીના કારણે ઘઉંના ઉત્પાદન પર વિપરિત અસર પડી હતી અને ઘઉંના ઘરેલુ ભાવ વિક્રમી સ્તરે પહોંચી ગયા હતા, તેના કારણે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જરૂર પડી હતી. ઘઉંના લોટ માટે ગયા મહિને નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને વેપારીઓને નિકાસ કરતા પહેલાં મંજૂરી લેવા માટે કહેવાયું હતું. ૬ઠ્ઠી જુલાઈએ ડીજીએફટી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં નિકાસકારો માટે ઘઉંના લોટની નિકાસ માટે આંતર-મંત્રી સમિતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરી દેવાયું છે. આ અંગે ડીજીએફટીએ કહ્યું કે ઘઉં અને ઘઉંના લોટમાં વૈશ્વિક પૂરવઠામાં આવતી મુશ્કેલીઓના કારણે આ કારોબારમાં નવા ખેલાડી આવી ગયા છે. આથી ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અને ગુણવત્તા સંબંધિત અનેક આશંકાઓ પણ પેદા થઈ છે.
https://ift.tt/Bqonw37 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Vnp1CfB
0 ટિપ્પણીઓ