- ભાજપને કોંગ્રેસ કરતા છ ગણું વધુ ફંડ મળ્યું
- આપને 44.54 કરોડ, કેરળ સરકારમાં સામેલ સીપીઆઇએમને 10 કરોડ, ટીએમસીને 43 લાખનું ફંડ મળ્યું
- વર્ષ 2020-21માં ભાજપને 477 કરોડ, કોંગ્રેસને 74.7 કરોડ મળ્યા હતા, બન્નેના ફંડમાં 28 ટકાનો વધારો
નવી દિલ્હી : ચૂંટણી પંચ પાસેથી મળેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ભાજપને ૬૧૪.૩૫ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે જ્યારે કોંગ્રેસને ૯૫.૪૬ કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યા હતા. એટલે કે કોંગ્રેસ કરતા ભાજપને છ ગણુ વધારે ફંડ મળ્યું છે. પશ્ચિમ બંગાળમાં સત્તા ધરાવતા મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસને ૪૩ લાખ રૂપિયાનું જ ફંડ મળ્યું હતું. કેરળમાં સરકારમાં રહેલા ડાબેરી પક્ષ સીપીઆઇ-એમને ૧૦.૦૫ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં એપ્રીલ ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જ્યારે કેરળમાં પણ આ જ સમયે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી પંચ સમક્ષ હાલમાં જ ચાર રાષ્ટ્રીય પક્ષોએ તેમને મળેલા ફંડની વિગતોને રજુ કરી હતી. જેને આખરે જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ ભાજપને તેના વિપક્ષ કોંગ્રેસ કરતા છ ગણુ વધુ ફંડ મળ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીને ભાજપ અને કોંગ્રેસ કરતા પણ ઓછુ માત્ર ૪૪.૫૪ કરોડ રૂપિયાનું ફંડ જ મળ્યું છે.
વ્યક્તિગત રીતે કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા આ પક્ષોને આ ફંડ મળ્યું છે. ભાજપને કોંગ્રેસ કરતા વધુ ફંડ જરૂર મળ્યું છે પણ આ બન્ને પક્ષોના ફંડમાં એક સરખો ૨૮ ટકાનો વધારો થયો છે. આ પહેલા વર્ષ ૨૦૨૦ અને ૨૧માં ભાજપને ૪૭૭ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, જ્યારે કોંગ્રેસને ૭૪.૭ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, એટલે કે આ પહેલાના નાણાકીય વર્ષ દરમિયાન પણ ભાજપને કોંગ્રેસ કરતા પાંચ ગણુ વધુ ફંડ મળ્યું હતું. જ્યારે હાલ બન્ને પક્ષોને અગાઉના વર્ષ કરતા ૨૮ ગણુ વધુ ફંડ મળ્યું છે. આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. ચૂંટણી પંચના વર્તમાન નિયમ મુજબ દેશના લગભગ દરેક રાજકીય પક્ષોને ૨૦ હજાર રૂપિયાથી વધુના ફંડની જાણકારી ચૂંટણી પંચને આપવાની હોય છે. ભાજપને જે સૌથી વધુ ફંડ મળ્યું તેનો મૂળ આધાર ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે. જ્યારે આમ આદમી પાર્ટીને વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કોંગ્રેસ કરતા પણ ઓછુ ૪૪.૫૪ કરોડ રૂપિયા ફંડ મળ્યું છે.
https://ift.tt/1VobjER from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Z1Iuhz7
0 ટિપ્પણીઓ