2017 કરતા આ વખતે પ્રથમ તબક્કામાં ઓછું મતદાન, ગત વખતે ભાજપને નડ્યું હતું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 61% ટકા મતદાન થયું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે ઓછું મતદાન થયું છે. 2017માં આ બેઠકો પર 67 ટકા મતદાન થયું હતું. હવે ઓછું મતદાન થવાથી ત્રણેય પક્ષોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખુદ ઉમેદવારો પણ મુંઝવણમાં મુકાઈ ગયાં છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કયા પક્ષને આ મતદાનની અસર થશે. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પર વાટી ગામના લોકો અંબિકા નદી પર પૂલ ન બનતા મતદાનથી અળગા રહ્યા હતા. મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યાં સુધીમાં 700 મતમાંથી એકપણ મત પડ્યો નહોતો.

જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠકમાં આવતા ધ્રાફા ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ, આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા નારાજ થયેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભાના વાલિયા તાલુકાના કેસર ગામના ગ્રામજનોએ મતદાન જ કર્યું નથી. રાજકીય વિષ્લેષકો કહે છે કે 2017ની ચૂંટણીમાં ઓછું મતદાન ભાજપને અસર કરી ગયું હતું. પરંતુ આ વખતે થયેલું મતદાન ભાજપને અસર કરશે કે કોંગ્રેસને એ પરિણામ પરથી ખબર પડશે. કારણ કે આ વખતે આમ આદમી પાર્ટી અને અસદુદ્દિન ઓવૈસીની પાર્ટી સહિત ભાજપ અને કોંગ્રેસના નારાજ નેતાઓ પણ મેદાનમાં આવી ગયાં છે.બીજીબાજુ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પણ દાવો કર્યો છે કે તેમના આંતરિક સરવેમાં આમ આદમી પાર્ટીને 89માંથી51 બેઠકો મળવા જઈ રહી છે. હવે બીજા તબક્કામાં કેટલું મતદાન થાય છે તેના પર સૌની મીટ મંડરાયેલી છે. આ બેઠકો પર 788 (718 પુરૂષ, 70 મહિલા) ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે. હવે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે અને બંને તબક્કાનું 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aKS143T https://ift.tt/eBh4Mf9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ