કેન્દ્રે હાઈકોર્ટના જજોની નિમણૂક માટે કોલેજિયમની ભલામણો ફગાવી


- સુપ્રીમને સૌરભ કૃપાલના નામ પર પુન: વિચાર કરવા કેન્દ્રનું સૂચન

- સુપ્રીમને પાછા મોકલાયેલા 20 નામોમાં 11 નવા હતા, નવ નામની ફરી ભલામણ કરાઈ હતી : કેન્દ્રે ૨૫મીએ જ ફાઈલો પાછી મોકલી હતી

- પોતે ગે હોવાથી ન્યાયાધીશ તરીકે નિમણૂક નહીં થતી હોવાનો સૌરભ કૃપાલનો દાવો

નવી દિલ્હી : સુપ્રીમ અને હાઈકોર્ટના જજોની નિમણૂકો માટે સુપ્રીમની કોલેજિયમ સિસ્ટમ મુદ્દે કેન્દ્ર સરકાર અને સર્વોચ્ચ અદાલત વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંદર્ભે ૨૦ નામો પર પુન:વિચાર કરવા જણાવ્યું છે, જેમાં વકીલ સૌરભ કૃપાલની નિમણૂકનો પણ સમાવેશ થાય છે. સૌરભ કૃપાલે તાજેતરમાં પોતે સમલૈંગિક હોવાના કારણે નિમણૂક અટકી હોવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકારે ૨૫મી નવેમ્બરે જ કોલેજિયમની ભલામણો ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક પ્રક્રિયા અંગે સૂત્રોએ જણાવ્યું કે, સરકારે ૨૫ નવેમ્બરે કોલેજિયમને ફાઈલો પાછી મોકલતા ભલામણ કરવામાં આવેલા નામો પર વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રે કહ્યું કે હાઈકોર્ટના જજોની નિમણૂક માટેના ૨૦ નામોમાંથી ૧૧ નવા નામ હતા જ્યારે બાકીના નવ નામ સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ફરીથી મોકલ્યા હતા.

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા ભલામણ કરી હતી. પરંતુ કેન્દ્રે તેમના નામની ભલામણ પર સુપ્રીમને પુન: વિચાર કરવા જણાવ્યું છે. સૌરભ કૃપાલ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.એન. કૃપાલના પુત્ર છે. જોકે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂકની ભલામણ છેલ્લા ચાર વર્ષથી વિવાદોમાં રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવેલા અનેક નામ સામે વાંધો ઉઠાવીને તે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને પાછા મોકલી દીધા.કેન્દ્રને વાંધો એ છે કે સૌરભ કૃપાલ સ્વિસ નાગરિક છે. કૃપાલ માટેની ભલામણ એ ૧૦ ભલામણોમાંથી એક છે, જે કાયદા મંત્રાલયે કોલેજિયમને પાછી મોકલી દીધી છે. કોલેજિયમે ગયા વર્ષે ૧૧ નવેમ્બર ૨૦૨૧ની તેમની બેઠકમાં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સૌરભ કૃપાલની નિમણૂકને મંજૂરી આપી હતી.

જોકે, કૃપાલના જણાવ્યા મુજબ તેમના નામની ભલામણમાં વિલંબ થવાનું એક મોટું કારણ તે પોતે ગે હોવાનું છે, કારણ કે તેમના નામને મંજૂરી મળે તો તેઓ ભારતના પહેલા સજાતીય ન્યાયાધીશ બની જશે. સૂત્રો મુજબ  કેન્દ્રે અન્ય નવ નામો પણ પાછા મોકલ્યા છે, જેમાંથી બે કલકત્તા હાઈકોર્ટ, બે કેરળ હાઈકોર્ટ અને પાંચ અલ્હાબાદ હાઈકોર્ટના છે. આ ફાઈલો ગયા સપ્તાહે કોલેજિયમને પાછી મોકલાઈ હતી. 

સુપ્રીમ કોર્ટે જજોની નિમણૂકની કોલેજિયમ વ્યવસ્થા અંગે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂના નિવેદન સામે સોમવારે વાંધો ઉઠાવ્યો હતો. તાજેતરમાં કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કોલેજિયમ સિસ્ટમને બંધારણથી અલગ હોવાનો દાવો કર્યો હતો. ન્યાયાધીશ સંજય કિશન કૌલના અધ્યક્ષપદે સુપ્રીમ કોર્ટની બેન્ચે સોમવારે ન્યાયિક હસ્તક્ષેપ વિરુદ્ધ ચેતવણી આપતા કહ્યું હતું કે, કોલેજિયમ દ્વારા કરાયેલી ભલામણ ફરીથી કરવામાં આવે તો કેન્દ્રે તે નામોને મંજૂરી આપવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે કોલેજિયમ દ્વારા મંજૂર કરવામાં આવેલા નામોની ફાઈલ પર સરકાર બેસી ગઈ છે અને તે તેને મંજૂર નથી કરી રહી.

સુપ્રીમ કોર્ટના આ નિરીક્ષણથી નારાજ કાયદા મંત્રીએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ એમ ના કહે કે સરકાર ફાઈલો પર બેસી ગઈ છે. એવું હોય તો તમે સરકારને ફાઈલો મોકલશો જ નહીં અને જાતે જ ન્યાયાધીશોની નિમણૂક કરી લો.

કોલેજિયમની ભલામણના બે નામ પર કેન્દ્રની મહોર

કેન્દ્ર સરકારે એકબાજુ સુપ્રીમની કોલેજિયમે ભલામણ કરેલા ૨૦ નામો પાછા મોકલી દીધા છે ત્યારે કોલેજિયમ તરફથી બોમ્બે હાઈકોર્ટમાં બે ન્યાયાધીશો માટેના નામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. કાયદા મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરીને આ જજોની પસંદગી અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, વકીલ સંતોષ ગોવિંદરાવ ચપલગાંવકર અને વકીલ મિલિંદ મનોહર સાઠયેની બોમ્બે હાઈકોર્ટમાં અધિક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવે છે. સરકાર તરફથી આ બંને નામ એવા સમયે મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે કોલેજિયમ તરફથી સૂચવાયેલા નામો પર નિર્ણય લેવામાં વિલંબ અંગે કોર્ટે કેન્દ્રની આકરી ટીકા કરી છે.



https://ift.tt/9hGkUIa from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fxovi2y

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ