વડોદરા, તા.29 વડોદરા નજીક સિંઘરોટ ગામની સીમના નદી કિનારે આવેલા એક ખેતરમાં બનાવેલા એક નાના ગોડાઉનમાં એટીએસની એક ટીમ આજે રાત્રે ત્રાટકી હતી. આ દરોડાના પગલે સ્થાનિક પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા જિલ્લાના સિંઘરોટ નજીક લીલેરિયા ફાર્મની પાછળ એક ખેતરમાં બનાવેલા નાના ગોડાઉનમાં ડ્રગ્સ અથવા કેમિકલનો કારોબાર ચાલે છે તેવી માહિતીના આધારે એટીએસની ટીમે રાત્રિના અંધારામાં રેડ કરી હતી. સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરીને એટીએસની ટીમે આ ગોડાઉનમાં ઘૂસી જઇને અંદર તપાસ શરૃ કરી હતી.
સિંઘરોટમાં મોડી રાત્રિ સુધી એટીએસની રેડ ચાલુ રહી હતી. જો કે અંદરથી એમડી ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતા કેમિકલનું ઉત્પાદન થતું હોવાની મિનિ ફેક્ટરી ઝડપાઇ હોવાની વાતો વહેતી થઇ હતી. એમડી ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું કે તેનો સંગ્રહ કરાયો હતો તે વિગતો મોડી રાત્રિ સુધી બહાર આવી ન હતી. સ્થાનિક પોલીસ પણ એટીએસના દરોડાના પગલે બહાર ગોઠવાઇ ગઇ હતી. એટીએસની રેડની જાણ થતાં જ અનેક લોકો સ્થળ પર દોડી ગયા હતા પરંતુ કોઇને આગળ જવા દેવામાં આવતા ન હતાં.
ચારથી પાંચ જેટલા શખ્સોને એટીએસે અટકાયતમાં લીધા હોવાનુ મનાય છે અને સમગ્ર વિગતો સવારે જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં એટીએસના દરોડાના પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની જાહેરસભામાંથી પરત ફરતાની સાથે જ સ્થાનિક પોલીસ એટીએસને મદદ કરવા જોડાઇ હતી. એટીએસના દરોડા બાદ એફએસએલ તેમજ અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી હતી.
https://ift.tt/NH0ACfm
0 ટિપ્પણીઓ