આ ગામના લોકો રાવણને માને છે જમાઇરાજ, માફી માંગીને પછી કરે છે વધ


ભોપાલ, 4 ઓકટોબર,2022,મંગળવાર 

અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક ગણાતો વિજયાદશમી ઉત્સવ દેશ ભરમાં ઉજવાય છે.પરંતુ મધ્યપ્રદેશના મંદસોરના ખાનપુરા વિસ્તારમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે.જેમાં રાવણનો વધ કરતા પહેલા તેની માફી માંગવાની પરંપરા છે.મંદસોરના લોકોનું માનવું છે કે રાવણની પત્નિ મંદોદરી મંદસોરની હતી. તેના નામ પરથી જ મંદસોર નામ પડયું છે.આથી રાવણએ તેમનો જમાઇ છે.

અહીં રાવણની ૨૦ ફૂટ ઉંચી કાયમી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેની એક ખાસ વર્ગના લોકો બારેમાસ પૂજા કરે છે. દશેરાના દિવસે રાવણના પગમાં દોરો બાંધવાથી બીમારી આવતી નથી એવી લોકો માન્યતા ધરાવે છે. મહિલાઓ રાવણની પ્રતિમા પાસે ઉભી રહે કે નજીકથી પસાર થાય ત્યારે અચૂક ઘુમતો તાણે છે.

દશેરાના દિવસે મહિલાઓ દોરો બાંધવા આવે ત્યારે પણ આ પરંપરાને અનુસરે છે. વિજયાદશમીના દિવસે રાવણનું એક પૂતળું તૈયાર કરવામાં આવે છે. તેને સળગાવતા પહેલા રાવણની માફી માંગવામાં આવે છે.જેમાં લોકો કહે છે કે તમે સીતા માતાનું અપહરણ કર્યુ હતું આથી રામની સેના તમને મુત્યુદંડ આપવા આવી છે ત્યાર બાદ અંધકાર છવાઇ જાય છે અને રાવણના પૂતળાને રામની સેના ફૂકે છે.

વિદિશાથી ૫૦ કિમી દૂર રાવન ગામ રાવણને પૂજે છે 

મધ્યપ્રદેશમાં બીજા એવા કેટલાક સ્થળો પણ છે જયાં રાવણના પુતળાનું દહન કરવાના સ્થાને તેની પૂજા કરવામાં આવે છે. જેમ કે ઉજજૈનના ચિખલી ગામના લોકો રાવણની પૂજા ના કરવામાં આવે તો ગામમાં આગ લાગે છે એવી માન્યતા ધરાવે છે .વિદિશાથી ૫૦ કિમી દૂર રાવન નામનું ગામ પણ છે. આ ગામમાં પણ રાવણની સુતેલી મૂર્તિની દશેરાના દિવસે પૂજા થાય છે. તેઓ રાવણને રાવણ બાબા કહીને માન પણ આપે છે. આ ઉપરાંત રાવણને દર્દ ઓછું થાય તે માટે નાભીમાં તેલવાળું રું ચોંપડે છે. 



https://ift.tt/pTIkhOr from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JjYwoB8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ