- હવામાન વિભાગે બિહારથી રાજસ્થાન સુધીના સમગ્ર પટ્ટાને હાઈ-એલર્ટમાં રહેવા ચેતવણી આપી છે
નવી દિલ્હી : આ ચોમાસામાં વરસાદે કેટલાંયે રાજ્યોમાં તબાહી મચાવી દીધી છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેસમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદ થતાં રાજસ્થાનમાં ૨૦૦ અને મધ્ય પ્રદેસમાં આશરે ૫૦ જેટલા નાના-મોટા બંધો ઓવરફ્લો થઇ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગંગા, ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. બિહારમાં તે ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. હિમાચલ પ્રદેસમાં લેન્ડ-સ્લાઇડને લીધે કેટલાયે લોકોના જાન ગયા છે. તે પરિસ્શિતિમાં હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હજી આગામી ૪૮ કલાકમાં એ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આથી તે તમામ રાજ્યોમાં ફરી હાઈએલર્ટની ચેતવણી આપી દીધી છે. આગામી ૪૮ કલાક સુધી તો, તે વિસ્તારોમાં વરસાદમાંથી રાહત મળવાની કોઈ આશા દેખાતી નથી.
મધ્ય પ્રદેસમાં રતલામ, ઉજ્જૈન, ઇંદોર, ધાર, ઝાંબુઆ અને અલીરાજપુરમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ ગઈ છે. અહીં નદી નાળાં છલકાઈ ગયાં છે. પાણી છોડવા માટે કેટલાયે બંધોના દરવાજા ઉઘાડી નાખવામાં આવ્યા છે. મુશળધાર વરસાદને લીધે સડકો ઉપર દ્રશ્યતા ઘટી ગઈ છે. સત્તાવાળાઓએ તેથી જાહેર કર્યું છે કે અત્યંત જરૂરી હોય તેવાં કામ સિવાય વાહન ચલાવવાં જ નહીં. આપણે આ પૂર્વે પણ જોયું હતું કે, રાજ્યના ૧૧ જિલ્લાઓમાં સ્કુલો બંધ રખાઈ છે. સિહોરમાં ૨૪ ઓગસ્ટ સુધી સ્કૂલો બંધ છે.
રાજસ્થાનના કોટા, ઝાલાવાડ વગેરે પ્રદેશમાં તથા ચિત્તોડગઢ, સવાઈ માધોપુર, દૌસા અને કરૌલી સહિત પૂર્વ રાજસ્થાનમાં વ્યાપક વરસાદ થયો છે. કોટામાં જિલ્લા કલેકટરે ૩૫૦૦ લોકોને સુરક્ષિત સ્થળો પર ફેરવી દીધા છે. કોટા બેરેજના ૧૯માંથી ૧૪ ગેટ ખોલી હજી સુધીમાં ૩.૮૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવે, ૫.૫૭ લાખ ક્યુસેક પાણી છોડવાની પણ યોજના છે.
હિમાચલમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. લાહુલ સ્થિતિ સિવાયના તમામ જિલ્લાઓમાં આંધી અને કડાકા ભડાકા સાથે વીજળી પડવાની પણ આશંકા છે. તેથી યલો એલર્ટ જારી કરાયો છે. ૨૪ અને ૨૫મીએ ભારે વરસાદની શક્યતા છે. ૨૬મીથી વરસાદનું જોર નરમ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
ઝારખંડમાં શુક્રવાર રાતથી સતત થઇ રહેલા વરસાદને લીધે દક્ષિણ ઝારખંડમાં ૨૫૦૦ લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. ચાંડીલ અને તેનું ઘાટ જેવા બંધોમાંથી પાણી છોડતાં સિંગભૂમ જિલ્લાનાં જમશેદપુર સહિત વિભિન્ન ક્ષેત્રોમાં જનજીવન ઉપર ગંભીર અસર થઇ છે.
બંગાળના ઉપસાગરમાં જામેલાં હવાનાં દબાણને લીધે છેક દહેરાદૂન, ટિહરી અને પૌડી જિલ્લાઓમાં વાદળ ફાટવાને લીધે ભૂપ્રપાત પણ થયા છે તેથી ૨૬૩ સડકો બંધ છે.
https://ift.tt/vq3QmLW from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Sqo4a20
0 ટિપ્પણીઓ