બે વર્ષ પછી પણ સુશાંતસિંહ આપઘાત કેસ હજુ ઠેરનો ઠેર


- સીબીઆઈએ હજુ ક્લોઝર રિપોર્ટ આપ્યો નથી  

- ડ્રગ કેસમાં પણ કોઈ પ્રગતિ નહીં : સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સુશાંત વારંવાર ટ્રેન્ડ થયા કરે છે  

મુંબઈ : બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને તા. ૧૪મીના મંગળવારે બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. જોકે, આટલા સમયગાળામાં પણ આ કેસમાં કોઈ ખાસ પ્રગતિ નહીં થતાં સુશાંતના ચાહકો ભારે રોષે ભરાયા છે.  

સુશાંતે ૨૦૨૦ની ૧૪મી જુને બાન્દ્રા ખાતેના તેના નિવાસસ્થાને આપઘાત કરી લીધો હતો. સુશાંતના આકસ્મિક મોત અંગે તરેહ તરેહની થિયરીઓ વહેતી થઈ હતી. સુશાંત કેસના ફણગા રુપે જ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સંડોવતો બોલિવુડ ડ્રગ કેસ બહાર આવ્યો હતો. તેમાં દીપિકા પાદૂકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર સહિતની બોલિવુડ અભિનેત્રીઓની પૂછપરછ થઈ હતી. 

સુશાંતના મોત તથા તેના બેન્ક ખાતાંમાં થયેલા વ્યવહારો અંગે બિહાર પોલીસે પણ પોતાની રીતે તપાસ ચાલુ કરી હતી. તેને લઈને મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે વિખવાદ પણ થયો હતો. 

છેવટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. જોકે, સીબીઆઈએ આ કેસમાં હજુ સુધી ક્લોઝર રિપોર્ટ આપ્યો નથી. બીજી તરફ ડ્રગ કેસની તપાસ એનસીબીએ કરી હતી. એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે અને ચાર્જશીટ રજૂ કરી દીધું છે. તે પછી રિયા જામીન પર છુટી ચુકી છે. 

આ કેસને પગલે બોલિવુડમાં સગાંવાદના આક્ષેપો થયા હતા અને બોલિવુડના સ્ટારકિડ્ઝને આગળ વધારવા સુશાંત જેવા બહારથી આવેલા અભિનેતાઓનું શોષણ થતું હોવાના આક્ષેપો કરાયા હતા. બે વર્ષથી આ આક્ષેપોના સંદર્ભમાં વારંવાર જસ્ટિસ ફોર સુશાંત અને બોયકોટ બોલિવુડ હેશટેગ ટ્રેન્ડ થયા કરે છે પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. લોકોએ કહ્યું, આવાં જ કારણોસર હવે પ્રેક્ષકો સાઉથની ફિલ્મો તરફ વળી ગયા છે 



https://ift.tt/N9mPZYX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ