આર્ય સમાજનું લગ્ન સર્ટિફિકેટ માન્ય નથી : સુપ્રીમ


- લગ્ન પહેલાં બંધારણ પ્રમાણે નક્કી થયેલી વિગતો ચકાસવા આર્ય સમાજને સુપ્રીમની ટકોર 

- આર્ય સમાજનું કાર્ય અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી, એ કામ નિયત સરકારી વિભાગ જ કરી શકે છે: સુપ્રીમ કોર્ટ

- મધ્યપ્રદેશના એક પ્રેમલગ્નના કેસની સુનાવણીમાં રજૂ થયેલું આર્ય સમાજનું મેરેજ સર્ટિફિકેટ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું નહીં

નવી દિલ્હી : મધ્યપ્રદેશના એક લવમેરેજના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્નનું પ્રમાણપત્ર આપવાનો આર્યસમાજને બંધારણીય રીતે કોઈ જ અધિકાર મળ્યો નથી. લગ્ન પ્રમાણપત્ર આપવાનું આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. એ કામ નિયત સરકારી વિભાગ જ કરી શકે છે. લગ્ન પહેલાં ભારતના બંધારણ પ્રમાણે વિગતોની ચકાસણી કરવાની ટકોર પણ સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના એક પ્રેમલગ્નના કેસની સુનાવણી થઈ હતી. મધ્યપ્રદેશના એક યુવકે ૧૮ વર્ષથી ઓછી વયની કિશોરી સાથે આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. એ મુદ્દે કિશોરીના પરિવારે યુવક સામે કેસ દાખલ કર્યો હતો. યુવતીના પરિવારે યુવક સામે પોક્સો હેઠળ અપહરણ-રેપની ફરિયાદ નોંધાવી હતી. એ મુદ્દો મધ્યપ્રદેશમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. યુવક વતી દલીલ થઈ હતી કે કિશોરીએ તેની મરજીથી લગ્ન કર્યા હતા. હાઈકોર્ટે એ માન્ય રાખીને યુવકને જામીન આપ્યા હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્યસમાજે જારી કરેલું લગ્નનું પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું ન હતું. જોકે, હાઈકોર્ટે એ વખતે આર્યસમાજને સૂચન કર્યું હતું કે લગ્ન સર્ટિફિકેટમાં ભારતના મેરેજ એક્ટ-૧૯૫૪ના સેક્શન ૫,૬, ૭ અને આઠને સામેલ કરે તે વધુ યોગ્ય ગણાશે.

એ પછી એ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ અજય રસ્તોગી અને ન્યાયધીશ બી. વી. નાગરત્નાની બેંચે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આર્યસમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિસભાએ જારી કરેલું લગ્ન પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કર્યું હતું, સુપ્રીમ કોર્ટે તેને માન્ય ગણ્યું ન હતું.  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપવું તે આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. આર્યસમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો બંધારણીય અધિકાર અપાયો નથી. આર્ય સમાજ લગ્નનું પ્રમાણપત્ર કેવી રીતે આપી શકે? એ કામ તો નિયત સરકારી વિભાગનું છે. સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને લગ્ન પહેલાં બંધારણીય રીતે નક્કી થયેલા દસ્તાવેજોની ચકાસણી કરવાની ટકોર પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે એ કેસમાં લગ્નનું સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આર્ય સમાજની દલીલ

સુપ્રીમ કોર્ટે અગાઉ જ હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપી દીધો હતો. એ પછી આર્યસમાજને પણ તેમનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું હતું. આર્ય સમાજે સુપ્રીમમાં દલીલ કરી હતી કે ભારતમાં ૧૯૩૭થી આર્ય સમાજના મંદિરોમાં લગ્નો થઈ રહ્યા છે. જ્યારે ભારતના બંધારણમાં હિન્દુ મેરેજ એક્ટ લાગુ થયો ન હતો તે પહેલાંથી જ આર્ય સમાજના લગ્નોને માન્ય રાખવામાં આવે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટને સર્ટિફિકેટમાં સામેલ કરવાનું આર્યસમાજ માટે જરૂરી નથી. જો બેમાંથી કોઈ એક હિન્દુ હોય તો એ આર્ય સમાજમાં લગ્ન કરી શકે છે.

આર્યસમાજની સ્થાપના 1875માં થઈ હતી

ગુજરાતના ટંકારામાં ૧૮૨૪માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશમાં ધાર્મિક સુધારણાના સમયગાળામાં ૧૦મી એપ્રિલ, ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. વૈદિક મૂલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ પ્રકારનું દેશનું પ્રથમ હિન્દુ સંગઠન હતું. પરંપરાગત હિન્દુ ધર્મમાં દયાનંદ સરસ્વતીએ નવીનતા લાવીને દેશભરમાં ગુરૂકૂળ પદ્ધતિથી શિક્ષણ આપવાની પણ શરૂઆત કરી હતી. આજે આર્ય સમાજની પદ્ધતિને અનુસરતા ૮૦ લાખથી એક કરોડ અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/x7DrK2Z https://ift.tt/XnSJdGT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ