પત્નીના માથાનું સિંદૂર ભૂંસી નાંખી પતિએ કહ્યું કે,તું હવે મારી પત્ની નથી

વડોદરા,ડેન્ટિસ્ટ સાથે પ્રેમ લગ્ન કરનાર યુવતીને દવાખાનું ખોલવા માટે પિયરમાંથી દશ લાખ લઇ આવવાનું કહીને મારઝૂડ કરી પિયરમાં મૂકી આવવામાં આવી હતી.જે અંગે પરિણીતાએ પતિ,સાસુ અને સસરા સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

લો કોલેજમાં અભ્યાસ કરતી પરિણીતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન આનંદ વ્રજલાલ નાગર સાથે થયા હતા.મારા પતિ દાંતના ડોક્ટર છે.લગ્ન પછી હું મારા પતિ સાથે આજવારોડ પંચમવિલા ડૂપ્લેક્સમાં રહેવા માટે ગઇ હતી.શરૃઆતમાં મારા પતિ સારૃં વર્તન કરતા હતા.મારા સાસુ, સસરા અવાર - નવાર મારા સમાજ વિશે ટિપ્પણી કરી મારી ભૂલ કાઢી મારા પતિની કાન ભંભેરણી કરતા હોવાથી તેઓનું પણ વર્તન મારી સાથે બદલાઇ ગયું હતું.મારા સાસુ - સસરા મારા માતા પિતા પાસે રૃપિયાની માંગણી કરી કહેતા હતા કે,મારા દીકરાને નવું દવાખાનું ખોલવાનું છે, ૧૦ લાખ લઇ આવ.મેં પ્રેમ લગ્ન કર્યા હોવાથી મારા સાસુ, સસરાએ ક્યારેય મારો સ્વીકાર કર્યો નહતો.મારા પતિ ઘરની બહાર કોઇ કામ માટે જાય તો મારા સાસુ,સસરા મને મારઝૂડ કરતા હતા.

એક વખત મારા  પતિએ મારી સાથે ઝઘડો કરી મારા કપડાની બેગ લઇ મારા  પિતાના ઘરની બહાર મને ઉતારી દીધી હતી.મારા માથાનું સિંદૂર પણ તેમણે ભૂંસી નાંખી કહેલ કે,તું હવે મારી પત્ની નથી.તારે મારા ઘરે રહેવું હોય તો પિયરમાંથી દશ લાખ લઇ આવવા પડશે.



https://ift.tt/faLF6NX

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ