રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ ઇંડીગો ફલાઇટમાં સુરત પહોંચ્યાં


- રાહુલ આવતાં પૂર્વે સુરતમાં કડક પોલીસ બંદોબસ્ત

- સેશન્સ કોર્ટ જો નીચલી કોર્ટનો ચુકાદો ન ફેરવે તો રાહુલ આવતાં આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે

નવી દિલ્હી : આજે સોમવારે સવારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ઇંડીગો ફલાઇટ દ્વારા સૂરત જવા રવાના થઈ ગયા હતા. તેઓની સાથે તેઓના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સૂરત જવા રવાના થયાં હતા. દરમિયાન રાહુલ સૂરત પહોંચતાં કે તે પૂર્વે કોંગ્રેસના સભ્યો અને ટેકેદારો ધમાલ-ધાંધલ કરે તેવી ભીતીથી સમગ્ર શહેરમાં અને વિશેષત: વિમાનગૃહથી કોર્ટ સુધીના માર્ગ ઉપર અને કોર્ટ ફરતો અસામાન્ય પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી ગયો હતો. આજે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ, હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રી સુખવિંદર સિંહ સુખુ અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત પણ રાહુલને સધયારો આપવા સૂરત પહોંચી ગયા છે. સંભવત: રાહુલના વકીલો તો આગલે દિવસે સાંજે જ સૂરત પહોંચી ગયા હશે તેવું અનુમાન થઈ રહ્યું છે.

તે સર્વવિદિત છે કે કર્ણાટકનાં કોલારમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ લલિત મોદી અને નીરવ મોદી ઉપર નીશાન તાકતાં કહ્યું હતું કે, એવું કેમ બને છે કે મોદી અટક ધરાવનારા બધા ચોર હોય છે ?' વાસ્તવમાં લલિત કે નીરવ મોદીનું તો માત્ર નામ જ હતું રાહુલનું નિશાન તો નરેન્દ્ર મોદી ઉપર હતું.

આ પછી ભાજપના પૂર્ણેશ મોદીએ તેમની ઉપર આપરાધિક માનહાનીનો કેસ દાખલ કરતાં સૂરતની મેજેસ્ટ્રિટ કોર્ટે તેમને તકસીરવાન ઠરાવી બે વર્ષની સજા કરી હતી. જેને પગલે તેમનું સંસદ સભ્ય પદ રદ્ થયું હતું. તેમને સરકારે ફાળવેલો બંગલો પણ ખાલી કરવા નોટિસ અપાઇ હતી.

સૂરતની નીચલી કોર્ટના આ હુકમ સામે આજે રાહુલે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

દરમિયાન રાહુલ સાથે ત્રણ ત્રણ મુખ્યમંત્રીઓ કોર્ટમાં હાજર રહી, ન્યાય તંત્ર ઉપર દબાણ લાવવા માગે છે, તે પ્રકારના ભાજપનાં મંતવ્યને ભૂપેશ બધેકે ફગાવી દીધું હતું.

કોંગ્રેસને એવી ભીતી સતાવી રહી છે કે જો નીચલી કોર્ટનો ચુકાદો સેશન્સ કોર્ટ ન ફેરવે તો રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહીં.



https://ift.tt/YdxZI7z from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yWk8rul

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ