રાહુલને જામીન મળ્યા, સસ્પેન્શનમાં કોઇ રાહત નહીં


- માનહાનિ કેસમાં સેશન કોર્ટમાં અપીલ, 13મીએ સુનાવણી

- સુરત કોર્ટમાં સજાની અપીલ માટે રાહુલ ગાંધી પ્રિયંકા સહિત રાષ્ટ્રીય સ્તરના નેતાઓના લાવ-લશ્કર સાથે પહોંચ્યા

સુરત : સુરતની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ગઈ તા.૨૩મી માર્ચે મોઢવણિક સમાજના માનહાનિના કેસમાં આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદની સજાના હુકમની કાયદેસરતા ને પડકારતી ૬૯ પાનાની અપીલને આજે એડીશનલ સેશન્સ કોર્ટે અંશતઃ મંજુર કરી હતી. જ્યારે બચાવપક્ષે અપીલના સમયગાળા દરમિયાન સજાના હુકમને સ્ટે કરવા, દોષી ઠેરવતો હુકમ તથા જામીન આપવા ક્રિમીનલ પ્રોસિજર કોડની સેકશન ૩૮૯ તથા ૩૮૯(૧) હેઠળ માંગ કરી હતી. જેને કોર્ટે અંશતઃ માન્ય રાખી રાહુલ ગાંધીને અપીલના આખરી નિકાલ સુધી રૂ.૧૫ હજારના જામીન મુક્ત કર્યા છે.જ્યારે સજાનો હુકમ અપીલ સમય સુધી સ્થગિત કર્યો છે.પરંતુ દોષી ઠેરવતો સમગ્ર હુકમ સ્થગિત કરવા માંગ અંગે કોર્ટે સરકારપક્ષ તથા ફરિયાદીને નોટિસ ઈસ્યુ કરી ૧૧ એપ્રિલ સુધી વાંધા અથવા જવાબ ફાઈલ કરી વધુ સુનાવણી તા.૧૩ એપ્રિલ સુધી મોકુફ રાખી છે.

વર્ષ-૨૦૧૯માં લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલાર ખાતે યોજાયેલી ચૂંટણી સભામાં તત્કાલીન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના આર્થિક ગુનેગારો નિરવ મોદી, લલિત મોદી વગેરે સાથે તુલના કરી હતી. તદુપરાંત બધા મોદી ચોર છે તેવું કહીને મોઢ વણિક સમાજની માનહાનિ થાય તેવા આપત્તિજનક ઉચ્ચારણો કર્યા હતા. જેથી સુરત મોઢ વણિક સમાજના અગ્રણી એવા સુરત પશ્વિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુધ્ધ સુરતની સીજીએમ કોર્ટમાં ઈપીકો-૪૯૯, ૫૦૦ અંગે માનહાનિની કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. જેની અંતિમ સુનાવણી બાદ ફરિયાદ પક્ષની દલીલોને માન્ય રાખી સુરતના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશ વર્માએ ગઈ તા.૨૩મી માર્ચના રોજ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવી મહત્તમ બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જેના કારણે તેમનું સંસદ સભ્ય પદ પણ રદ થયું હતુ. અલબત્ત સજાના હુકમ બાદ લાંબા સમય સુધી રાજકીય અને મીડિયા જગતમાં રાહુલ ગાંધી સુરત કોર્ટના ચુકાદા સામે અપીલ કેમ નથી કરતા ? એવા સતત ઉઠતા સવાલનો આજે અંત આવ્યો હતો. સુરત સીજીએમ કોર્ટના સજાના હુકમ બાદ અપીલ માટે નિર્ધારિત ૩૦ દિવસો પૈકી આજે ૧૧મા દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે સુરત આવ્યા હતા અને સુરત કોર્ટમાં પોતાની લીગલ ટીમ સાથે હાજર રહી કીરીટ પાનવાલા અને તરન્નુમ ચીમા મારફતે ૬૦ પાનાની અપીલ દાખલ કરી છે. રાહુલ ગાંધીએ અપીલની સાથે અપીલના સમયગાળા પુરતા જામીન આપવા તથા સજાનો હુકમ સ્થગિત કરવા સેકશન ૩૮૯(૧) હેઠળ એમ બે અરજી કરી હતી. જેને એપેલેટ કોર્ટે અંશતઃ મંજુર કરી અપીલનો જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીને રૂ.૧૫ હજારના જામીન પર મુક્ત કરી સજાનો હુકમ અપીલ સમય સુધી સ્થગિત કર્યો છે. જ્યારે અન્ય અરજીમાં સજાના હુકમ સામે સ્ટે આપવાની માંગ કરી હતી. આ અરજીના લીધે રાહુલ ગાધીના સંસદ સભ્ય તરીકે ગેરલાયક ઠરાવતો હુકમ રદ થઈ શકે તેમ છે, જેથી અરજી અંગે કોર્ટે સરકારપક્ષ તથા ફરિયાદપક્ષને નોટિસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.૧૩મી એપ્રિલના રોજ  હાથ ધરવા હુકમ કર્યો છે.

અપીલમાં ઉઠાવવામાં આવેલા મહત્ત્વના મુદ્દાઓ

મોદી નામે કોઇ સમાજ નથી, સમાજની બદનક્ષી થઇ હોય તેવું કોર્ટે ઠેરવ્યું નથી

- કોર્ટે કોઈપણ જાતની ઈન્કવાયરી કર્યા સિવાય સીધા રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ કાઢીને પ્રથમથી જ ખોટી રીતે ટ્રાયલ ચાલી છે

મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરતની સીજીએમ કોર્ટે ગઈ તા.૨૩મી માર્ચના રોજ રાહુલ ગાંધીને દોષી ઠેરવી ફટકારેલી બે વર્ષની સાદી કેદની સજાના હુકમને પડકારતી ૬૯ પાનાની અપીલમાં મુખ્યત્વે મહત્વના કાનુની મુદ્દા ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ આજે એપેલેટ કોર્ટમાં પોતાની લીગલ ટીમ મારફતે દાખલ કરેલી અપીલમાં જણાવ્યું છે કે, નીચલી કોર્ટે એક માત્ર વાક્ય બધા ચોરોનો ઉપનામ મોદી કેમ હોય છે તેના પર સજા કરી છે, જે વધુ પડતી અને આકરી છે. વધુમાં મોદી નામે કોઈ સમાજ નથી અને સમાજની બદનક્ષી થઈ હોય તેવું પણ નીચલી કોર્ટે ઠેરવ્યું નથી. પણ મોદી અટકધારી હોવાથી ફરિયાદી પુર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો અધિકાર છે તેવું ઠરાવ્યું છે, પરંતુ ફરિયાદીના જ કહેવા મુજબ દેશમાં ૧૩ કરોડ માદી છે, આટલા બધાં મોદીઓને નારાજ કરવાનુ કોઈ પક્ષના નેતાને પાલવે નહીં અને તેવું નિવેદન રાહુલ ગાંધીએ કર્યું નથી. પરંતુ તેમણે નરેન્દ્ર મોદી, લલીત મોદી તથા નિરવ મોદીના સંદર્ભમાં પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, જે ધ્યાને લેતાં કોઈ અન્ય મોદીની બદનક્ષી કરવાનો તેમનો ઈરાદો હતો નહીં. તદુપરાંત જણાવ્યું કે, મોદી અટકધારીઓનું કોઈ ગુ્રપ નથી, મોદી અટક ફક્ત ઓબીસીમાં આવે છે તેવું પણ નથી. બદનક્ષી માટે જરૂરી છે કે ફરિયાદી પુર્ણેશ મોદી જેમણે ફરિયાદ કરી છે તેઓ એક ચોક્કસ નાના ગુ્રપના સભ્ય હોવા જોઈએ. જ્યારે તેઓ પોતે કહે છે કે, મોદી સમાજ ૧૩ કરોડ છે, ત્યારે તે નાનું અને ચોક્કસ ગુ્રપ કહેવાય નહીં. તેથી તેવા કોઈ કહેવાતા ગુ્રપના સભ્ય તરીકે ફરિયાદી પુર્ણેશ મોદીને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કાનુની મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે, નીચલી કોર્ટે કોઈપણ જાતની ઈન્કવાયરી કર્યા સિવાય સીધા રાહુલ ગાંધી વિરુધ્ધ સમન્સ કાઢીને પ્રથમથી જ ખોટી રીતે ટ્રાયલ ચાલી છે. તેઓ આ કોર્ટની હકુમતની બહારના રહીશ છે અને કાયદા પ્રમાણે તેમની સામે સમન્સ કાઢતા પહેલાં પ્રથમ ઈન્કવાયરી થવી જોઈએ. રાહુલ ગાંધીએ આ કેસમાં ફરિયાદી તરફે જે અશુધ્ધબુધ્ધિ દાખવવામાં આવી છે તેના પર પણ ટીપ્પણી કરી તેમને નીચલી કોર્ટમાં ફેર ટ્રાયલ મળી ન હોવાનું અપીલમાં જણાવ્યું છે.

હવે મૂળ ફરિયાદી સાથે સરકાર પક્ષ પણ જોડાશે

રાહુલ ગાંધીના સંસદ સભ્યપદના સસ્પેન્શન બરકરાર રાખવા મૂળ ફરિયાદી સાથે હવે સરકારપક્ષ પણ અપીલમાં જોડાશે. જ્યારે રાહુલ ગાંધીને નીચલી કોર્ટે કરેલી મહત્તમ બે વર્ષની કેદની સજાના હુકમને રદ કરી સંસદ સભ્યપદે પુનઃસ્થાપિત કરવા બચાવપક્ષ કાનુની જંગના મેદાને ઉતરશે. જેથી આગામી તા.૧૩મી એપ્રિલની કોર્ટ કેસની મુદત દરમિયાન બચાવપક્ષ તથા સરકારપક્ષ અને મૂળ ફરિયાદી વચ્ચે કાનુની દાવપેચ ખેલાશે.

રાહુલ ગાંધીનું ટ્વીટ : સત્ય મેરા અસ્ત્ર હૈ, સત્ય હી મેરા આસરા

સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી બહાર નીકળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, યે 'મિત્ર કાલ' કે વિરુધ્ધ લોકતંત્ર કો બચાને કી લડાઈ હૈ, ઈસ સંઘર્ષ મે, સત્ય મેરા અસ્ત્ર હૈ ઔર સત્ય હી મેરા આસરા !



https://ift.tt/bHxizpw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ