વડોદરા, તા.5 વડોદરાના તરસાલી વિસ્તારમાં રૃા.૨૫૦૦, ૩૫૦૦ અને રૃા.૭૫૦૦ની વિવિધ સ્કીમો રજૂ કરી ગરીબો, વિકલાંગો અને વિધવાઓને અનાજની કિટ નહી આપી કે.એસ. ડિજિટલ દર્શના એન્ટરપ્રાઇઝ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠતાં આજે કલેક્ટર, પોલીસ કમિશનરને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ અટલાદરા વિસ્તારમાં પણ લોકો આ પ્રકારની સ્કીમમાં છેતરાયા હતા અને લોકોએ હોબાળો મચાવી પોલીસ ફરિયાદ પણ આપી હતી. બાદમાં હવે તરસાલી વિસ્તારમાં આ જ પ્રકારની સ્કીમમાં લોકો ભોગ બન્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વડોદરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે આવેલા ભોગ બનેલી મહિલાઓએ જણાવ્યું હતું કે તરસાલી વિસ્તારમાં પાણીની ટાંકીવાળા રોડ પર આવેલ કે.એસ. ડિજિટલ દર્શના એન્ટરપ્રાઇઝના સંચાલકો ઘણા સમયથી વિવિધ સ્કીમોની લાલચ આપી આખા વર્ષની કિટ આપવાની લાલચ આપતા હતાં. અમે સ્કીમમાં રોકાણ કર્યા બાદ ઘણા સમયથી કિટ અમને આપવામાં આવી નથી અને અમારી સાથે ઠગાઇ થઇ છે.
ભોગ બનેલાઓએ આક્ષેપો કર્યા હતાં કે ઘણા સમયથી સ્કીમ અમલમાં મુકનારા ગાયબ થઇ ગયા છે. ડાયરેક્ટર કનકસિંહ ગોહિલ તેમજ તેના માણસોના ફોન પણ બંધ છે. કે.એસ.ના સંચાલકો દિવ્યાંગો અને વિધવાઓને ટાર્ગેટ કરતાં હતાં અમે સંચાલકોની વાતમાં આવી જઇને આખા વર્ષનું રાશન મળશે તેવી લાલચમાં તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું અને હવે રડવાનો વારો આવ્યો છે. સ્કીમમાં રોકાણ કરનારાઓએ કહ્યું હતું કે અમે ત્રણ દિવસથી કે.એસ.ની ઓફિસે ધક્કા ખાઇએ છીએ પરંતુ ઓફિસ પર તાળા લટકે છે. અમને અનાજ પણ નથી અને પૈસા પણ અમારા ગયા છે.
https://ift.tt/DWY9031
0 ટિપ્પણીઓ