મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું! CM અને ડેપ્યુટી CMએ સોશિયલ મીડિયા પર વીર સાવરકરના ડીપી લગાવ્યા

image : Twitter


મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના-ભાજપ ગઠબંધનના અન્ય નેતાઓએ વીર સાવરકરના સમર્થનમાં 'ગૌરવ યાત્રા' પહેલા તેમના સોશિયલ મીડિયા પર  ડીપી (ડિસ્પ્લે પિક્ચર્સ) ચેન્જ કરી દીધા હતા.  નેતાઓએ 'હું સાવરકર છું' અથવા 'અમે બધા સાવરકર છીએ' એવું પણ લખ્યું હતું. લોકસભાની સદસ્યતા ગુમાવ્યાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં માફી માંગવાના સવાલ પર કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માગતા નથી. તેમના આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું હતું. ખુદ ઉદ્ધવ ઠાકરે પણ રાહુલ ગાંધીને આ મામલે ચેતવણી આપી ચૂક્યા છે. 

ગૌરવ યાત્રા યોજવામાં આવશે 

ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ જાહેરાત કરી કે દેશમાં સાવરકરના યોગદાનને માન આપવા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમની (સાવરકર) ટીકાના જવાબમાં 30 માર્ચથી મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. સોશિયલ મીડિયા પર સાવરકરની તસવીર મુકવાની સાથે નેતાઓએ 'હું સાવરકર છું' અથવા 'અમે બધા સાવરકર છીએ' એવું લખ્યું હતું.

મુખ્યમંત્રી એકનાથ શિન્દેએ કરી ટીકા 

એકનાથ શિંદેએ તેમના સમર્થનમાં સોમવારે સાંજે તેમના ટ્વિટર ડીપીમાં સાવરકરની તસવીર બદલી હતી. આ પછી 28 માર્ચે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સાવરકર જેવા વીરોના કારણે દેશને આઝાદી મળી છે. આ સાથે જ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું- સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનની હું નિંદા કરું છું. સાવરકરના સન્માનમાં અમે રાજ્યના દરેક જિલ્લામાં સાવરકર ગૌરવ યાત્રા કાઢીશું. આ યાત્રા દ્વારા શિવસેના શિંદે જૂથ સાવરકરના કાર્યો વિશે લોકોમાં જાગૃતિ ફેલાવશે, સાથે જ સ્વાતંત્ર્ય સેનાની વિરુદ્ધ નિવેદનો આપનારા લોકો સામે કેસ નોંધવામાં આવશે.

રાહુલે માફી માંગવી જોઈએ નહીં તો હું FIR દાખલ કરીશ: રણજીત સાવરકર 

સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના પૌત્ર રણજીત સાવરકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે તે રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે. તેમણે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ પાર્ટીએ વીર સાવરકરનું અપમાન કર્યું હોય. તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે માફી માંગવાને બદલે તે આ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મેં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમના સહયોગી (કોંગ્રેસ) ખાસ કરીને રાહુલને સાવરકરનું અપમાન કરવા બદલ માફી માંગવા કહ્યું હતું. ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે પણ કોંગ્રેસના મુખપત્રમાં સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કંઈ કર્યું ન હતું.



https://ift.tt/RcL2Keo from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4nUWpd2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ