સજાતીય લગ્નો મુદ્દે માત્ર સ્પેશિયલ મેરેજ એક્ટ પર જ સુનાવણી થશે : સુપ્રીમ


- સજાતીય લગ્નોના વિરોધ પર કેન્દ્ર અડગ, સુપ્રીમમાં આજે ફરી  સુનાવણી

- પર્સનલ લૉ પર વિચાર નહીં થાય, આ વિવાદ ખૂબ જ જટીલ, સ્પેશિયલ મેરેજ એક્ટમાં પુરુષ-મહિલાની અંતિમ પરિભાષા નથી

- કાયદો બનાવવો સંસદનું કામ : સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસની સુનાવણીની યોગ્યતા પર ફરી સવાલ ઉઠાવ્યો

નવી દિલ્હી : દેશમાં સજાતીય લગ્નોનો કેન્દ્ર સરકારે ધાર્મિક, સામાજિક વ્યવસ્થાઓને ટાંકીને તીવ્ર વિરોધ કર્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મુદ્દે સુનાવણી ચાલુ રાખી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતા આપવાની અરજી પર નિર્ણય કરતી વખેત તે લગ્ન સંબંધી 'પર્સનલ લૉ' પર કોઈ વિચાર નહીં કરે અને વકીલોને પણ માત્ર સ્પેશિયલ મેરેજ એક્ટના સંદર્ભમાં જ દલીલો કરવા કહ્યું હતું. 

આ સાથે સુપ્રીમે એ પણ જણાવ્યું કે, આ મુદ્દો ખૂબ જ જટીલ છે. તે માત્ર પુરુષ અને મહિલા સાથે સંકળાયેલ નથી.

મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડના અધ્યક્ષપદે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સજાતીય સલગ્નો સંબંધિત અરજીઓની સુનાવણી કરતી વખતે તેને અત્યંત જટિલ મુદ્દો ગણાવ્યો હતો. 

આ બંધારણીય બેન્ચમાં ન્યાયમૂર્તિઓ એસકે કૌલ, એસઆર ભટ, હિમા કોહલી અને પીએસ નરસિંહાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં મંગળવારે સુનાવણી પુરી થઈ હતી. હવે વધુ સુનાવણી આવતીકાલે બુધવારે હાથ ધરાશે.

સ્પેશિયલ મેરેજ એક્ટમાં પુરુષ અને મહિલાની ધારણા લૈંગિક નહીં : સુપ્રીમ

આ કેસની સુનાવણીમાં સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, આ મુદ્દો સ્પેશિયલ મેરેજ એક્ટમાં સંદર્ભ કરવામાં આવ્યો છે તેવી માત્ર એક પુરુષ અને એક મહિલાની લૈંગિક ધારણાને પૂર્ણ કરતો નથી. સ્પેશિયલ મેરેજ એક્ટમાં પુરુષ અને મહિલાની કોઈ અંતિમ વ્યાખ્યા નથી. બેન્ચે કહ્યું કે, અહીં સવાલ એ નથી કે તમે કયા લિંગના છો. 

આ મુદ્દો તેના કરતાં ઘણો વધુ જટિલ છે. તેથી અહીં સ્પેશિયલ મેરેજ એક્ટમાં પુરુષ અને મહિલા કહેવામાં આવે છે ત્યારે પણ પુરુષ અને મહિલાની ધારણા લૈંગિક આધારે પૂર્ણ થતી નથી.

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ધર્મ નહીં સરકાર લગ્નને માન્ય રાખે છે

સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ એક એવો કાયદો છે, જે વિવિધ ધર્મો અથવા જાતીઓના લોકોના લગ્નને કાયદાકીય માન્યતા આપે છે. આ કાયદો સિવિલ મેરેજને નિયંત્રિત કરે છે, જેમાં ધર્મના બદલે સરકાર લગ્નને મંજૂરી આપે છે. આ કાયદા હેઠળ કોઈપણ જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લેવામાં નથી આવતો.

આ કેસની સુનાવણીમાં રાજ્યોને પણ સાંભળવા જોઈએ

જોકે, તેમણે ઉમેર્યું કે, સજાતીય લગ્નોને સામાજિક-કાયદાકીય દરજ્જો આપવો એ ન્યાયિક નિર્ણયોના માધ્યમથી શક્ય નથી. આ કામ સંસદ દ્વારા થઈ શકે છે. 

આ પ્રકારના લગ્નોને સ્વીકૃતિ સમાજની અંદરથી પણ મળવી જોઈએ. તેમણે જણાવ્યું કે, સમસ્યા ત્યારે ઊભી થશે જ્યારે કોઈ વ્યક્તિ જે હિન્દુ છે તે હિન્દુ રહેવાની સાથે સજાતીય લગ્નનો અધિકાર મેળવવા માગે છે. 

હિન્દુ અને મુસ્લિમ તથા અન્ય સમાજ પર અસર થશે અને તેથી આ કેસમાં રાજ્યોને પણ સાંભળળા જોઈએ. 

આ એવો કેસ નથી, જેમાં પાંચ વિદ્વાનો આખા સમાજનો નિર્ણય કરે

દરમિયાન તુષાર મહેતાએ આ કેસમાં સુનાવણીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ એવો કેસ નથી, જેમાં પાંચ વિદ્વાન લોકો બેસીને આખા સમાજ અંગે કોઈ નિર્ણય કરે. આ સાથે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ અરજીની યોગ્યતા પર પ્રારંભિક વાંધો ઉઠાવતા એક અરજી કરી છે. તેના પર પહેલા દલીલો થવી જોઈએ. પરંતુ સુપ્રીમે તેમની દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું કે પ્રારંભિક વાંધાની પ્રકૃતિ અને ગુણ-દોષ એ બાબત પર નિર્ભર કરે છે કે અરજદારોનું શું કહેવું છે અને અદાલત તેમનો પક્ષ સાંભળવા માગે છે.

અમે માત્ર લગ્નનો અધિકાર માગીએ છીએ : અરજદારોના વકીલ

અરજદારો તરફથી વકીલ મુકુલ રોહતગીએ તેમની દલીલોની શરૂઆત સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ને હટાવ્યાની બાબતનો ઉલ્લેખ કરવાની સાથે કરી હતી.  તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ને હટાવીને સજાતીય સંબંધોને ગૂનાના દાયરાની બહાર કરી દીધા હતા. પરંતુ કોર્ટની બહાસ સ્થિતિ પહેલાં જેવી જ છે. હજુ પણ અમને કલંકિત તરીકે જોવામાં આવે છે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે અમને લગ્ન કરવાનો અધિકાર છે. આ અધિકારને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રાજ્યો દ્વારા માન્યતા અપાશે અને આ અદાલતની જાહેરાત પછી રાજ્યો દ્વારા સજાતીય લગ્નોને માન્યતા અપાશે.



https://ift.tt/K3voX4l from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yghUFnM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ