બોરસદના ખેડાસા ગામે સગીરા સાથે દુષ્કર્મ કરનાર યુવકને આજીવન કેદ


- 8 વર્ષની બાળાનું અપહરણ કરી શારીરિક-માનસિક અત્યાચાર ગુજાર્યો 

- આણંદની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, ભોગ બનનારને 5 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખેડાસા ગામની એક સગીરાને લાલચ આપી અપહરણ કરી લઈ ગયા બાદ તેણી સાથે શારીરિક કુચેષ્ટાઓ કરનાર આરોપીને આણંદની કોર્ટે  ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા સંભળાવતા કોર્ટ સંકુલમાં સોપો પડી જવા પામ્યો હતો.

બોરસદ તાલુકાના ખેડાસા ગામની એક સીમમાં રહેતી ૮ વર્ષીય સગીરા એપ્રીલ-૨૦૨૨થી મે-૨૦૨૨ના સમયગાળા દરમ્યાન તેણીના માસીના ઘરેથી રમીને પરત ઘરે આવી રહી હતી. દરમ્યાન રામપુરા ગામે મોટા ફળીયામાં રહેતો ઠાકોરભાઈ રણછોડભાઈ પઢીયાર સગીરાનું અપહરણ કરી લઈ ગયો હતો. 

બાદમાં સગીરાને પોતાના ઘરે લઈ જઈ તેણી માનસિક અસક્ષમ હોઈ આ પરિસ્થિતિનો લાભ લઈ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું અને જો આ અંગે કોઈને જાણ કરીશ તો તારા પિતા તથા કાકાને જેલમાં પુરાવી દઈશ અને તેઓને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ પણ આપી હતી.

 બાદમાં સગીરાએ આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને તુરત જ તેણીની માતાએ ભાદરણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઠાકોરભાઈ રણછોડભાઈ પઢીયાર વિરુધ્ધ ગુનો નોંધી ગત તા.૩-૬-૨૦૨૨ના રોજ તેની ધરપકડ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસ આણંદના સ્પેશ્યલ જજ અને એડીશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા ફરીયાદ પક્ષે ઉપસ્થિત સરકારી વકીલની દલીલો તેમજ ૯ મૌખિક પુરાવા અને ૩૨ દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશે ઠાકોરભાઈ રણછોડભાઈ પઢીયારને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે અલગ-અલગ કલમો હેઠળ તેને કુલ્લે રૂા.૪૭ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂા.૫ લાખ ચૂકવવાનો પણ આદેશ કરાયો છે.



https://ift.tt/6jdgNFq

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ