રાહુલને નોટિસ આપવા દિલ્હી પોલીસનો કાફલો પહોંચતા કોંગ્રેસનો ભારે હોબાળો


મહિલાઓના જાતીય શોષણ અંગે શ્રીનગરના નિવેદન મુદ્દે રાહુલને ફરી નોટિસ

રાહુલ ગાંધીએ જવાબ આપવા 10 દિવસનો સમય માગ્યો, દિલ્હી પોલીસને ચાર પાનાનો પત્ર લખી અદાણી, સંસદનો મુદ્દો ઉઠાવ્યો

ભારત જોડો યાત્રામાં રાહુલે કહ્યું હતું કે કેટલીક મહિલાઓએ તેમના પર બળાત્કાર થયાની ફરિયાદ કરી હતી

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા સમયે શ્રીનગરમાં કેટલીક મહિલાઓનું જાતીય શોષણ થતું હોવાનું નિવેદન આપ્યું હતું. આ ઘટનાના લગભગ દોઢ મહિના પછી દિલ્હી પોલીસ જાગી અને તેમણે આ મહિલાઓને રક્ષણ આપવા માટે રાહુલ ગાંધી પાસે વિગતો માગવા તેમને નોટિસ પાઠવી હતી. જોકે, દિલ્હી પોલીસ રાહુલ ગાંધીના દરવાજે પહોંચતા કોંગ્રેસ ભારે હોબાળો મચાવ્યો છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી (લૉ એન્ડ ઓર્ડર) સાગર પ્રીત હુડ્ડા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવાસે રવિવારે ફરીથી તેમને નોટિસ પાઠવવા પહોંચ્યા હતા. આ પહેલાં ૧૬મી માર્ચે પણ રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે નોટિસ પાઠવી હતી, પરંતુ ત્યારે ટીમને કલાકો સુધી રાહ જોવી પડી હતી તેમજ રાહુલ ગાંધીએ તેનો કોઈ જવાબ આપ્યો નહોતો. આ વખતે નોટિસ પાઠવવા સ્પેશિયલ કમિશનર હુડ્ડા પોતે કાફલા સાથે પહોંચ્યા હતા. જોકે, રાહુલ ગાંધીના દરવાજે દિલ્હી પોલીસ પહોંચતા કોંગ્રેસે રવિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી એસપી હુડ્ડાએ જણાવ્યું કે, અમે અહીં તેમની સાથે વાત કરવા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં નિવેદન આપ્યું હતું કે, પ્રવાસ દરમિયાન તેઓ અનેક મહિલાઓને મળ્યા અને તેમણે કહ્યું કે તેમની સાથે બળાત્કાર થયો છે. અમે તેમની પાસેથી આ મહિલાઓની વિગતો મેળવવા માગીએ છીએ, જેથી પીડિતાઓને ન્યાય મળી શકે અને તેમને રક્ષણ આપી શકાય. રાહુલ ગાંધીએ અમને કહ્યું છે કે તેઓ વહેલી તકે બધી જરૂરી માહિતી આપશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ નોટિસમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું છે કે તમે એ મહિલાઓ અંગે માહિતી આપો જેના અંગે તમે નિવેદન કર્યું હતું. આ સિવાય પોલીસે નોટિસમાં કેટલાક સવાલ પણ કર્યા છે. પોલીસે એ મહિલાઓની માહિતી માગી છે, જેમણે તેમને જાતીય શોષણની ફરિયાદ કરી હતી. પોલીસે પૂછ્યું કે આ મહિલાઓ ક્યારે અને કઈ જગ્યાએ તમને મળી હતી? તેમણે શું વાત કરી હતી? શું આ મહિલાઓને તમે પહેલાથી જાણતા હતા? શું આ મહિલાઓની માહિતી તમને છે? તમારું જે નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થયું છે તેને તમે પ્રમાણિત કરો છો? જેથી પોલીસ તપાસ આગળ વધી શકે અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડી શકાય.

દિલ્હી પોલીસની નોટિસનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અંતે જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હી પોલીસની આ કાર્યવાહી અભૂતપૂર્વ છે. તેમને આશા છે કે પોલીસની આ કાર્યવાહીને અદાણી કેસ સહિત વિવિધ મુદ્દાઓ પર સંસદ અને બહાર તેમના વલણ સાથે કોઈ લેવા-દેવા નથી. 

જોકે, રાહુલે દિલ્હી પોલીસની નોટિસના પ્રારંભિક જવાબમાં કેસ સંબંધિત વધુ માહિતી પૂરી પાડવા માટે ૮-૧૦ દિવસનો સમય માગ્યો છે. દિલ્હી પોલીસે પણ કહ્યું કે, રાહુલ ગાંધી તરફી પ્રારંભિક જવાબ મળ્યો છે, પરંતુ તેમાં તેમની પાસેથી જે માહિતી માગવામાં આવી હતી તેનો કોઈ ઉલ્લેખ નથી.



https://ift.tt/zWQHUb1 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/tChQgnH

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ