3 ડિસેમ્બર 1984ના રોજ જયારે જંતુનાશક ગેસ માણસનાશક બન્યો હતો. ગેસ ચેમ્બરમાં ફેરવાઇ ગયું હતું ભોપાલ


ભોપાલ, 3 ડિસેમ્બર,2022,શનિવાર 

૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ભોપાલમાં યૂનિયન કાર્બાઇડ કંપનીમાં મિથાઇલ આઇસો સાઇનાઇટ નામના ગેસનું ગળતર થતા ૧૫ હજાર લોકોના મોત થયા હતા. પલ વારમાં લાશોના ઢગલા કરી નાખનારી અત્યંત ક્રુર ઘટનાને જાણે કે ભૂલાવી દેવામાં આવી છે.૧૯૮૯માં એક ચોંકાવનારો ખૂલાસો થયો હતો કે યુનિયન કાર્બાઇડના પ્લાન્ટની નજીકનું પાણી અને માટી માણસ જ નહી માછલી જેવા જીવો માટે પણ નુકસાનકારક છે. છતાં જયાં ગેસ ગળતર થયું હતું તેની આસપાસ રહેતા લોકો આજે પણ દૂષિત પાણી પીવા મજબૂર છે.


 મિથાઇલ આઇસો સાઇનાઇટ ગેસનો ઉપયોગ કિટનાશક દવાઓ બનાવવા થતો હતો પરંતુ તે બેદરકારીના લીધે માણસનાશક બન્યો હતો. સૌથી નવાઇની વાત તો એ છે કે આટલી મોટી ઘટના છતાં તેમાં કેટલા લોકોના મોત થયા તે અંગે વિસંગતા જોવા મળતી હતી. ખરેખર કેટલા લોકોના મોત થયા તે અંગે વર્ષો સુધી સાચો આંકડો મળતો ન હતો.

એ સમયે મધ્યપ્રદેશની તત્કાલિન કોંગ્રેસી સરકારે ૩૭૮૭ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું પરંતુ એક અનુમાન મુજબ ગેસ ગળતરના બે સપ્તાહ પછી ૮૦૦૦ લોકોના મોત થયા હતા. જયારે ૭૦૦૦ લોકો ગેસથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉભી થતા લાંબા ગાળે મુત્યુ થયા હતા. એ રીતે આ ત્રાસદી ૧૫ હજારથી વધુ લોકોને ભરખી ગઇ હતી.


૨૦૦૩માં સરકાર દ્વારા એક સોગંદનામામાં જણાવાયું હતું કે ઝેરી ગેસ ગળતર થવાથી ભોપાલમાં ૩૮૪૭૮થી વધુ લોકોને સીધી તથા ૫૫૮૧૨૫થી વધુ લોકોને આંશિક અસર થઇ હતી. ઇસ ૧૯૬૯માં ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીના યુનિટની સ્થાપના થઇ જયારે ૧૯૭૯માં મિથાઇલ આઇસો સાઇનાઇટથી કિટકનાશક દવાઓના ઉત્પાદનની શરુ થયું હતું.

૧૯૮૪માં કારખાનામાં સુરક્ષાની સ્થિતિ સારી ન હતી આ અંગે સ્થાનિક સમાચારપત્રોમાં એક અહેવાલ પણ પ્રસિધ્ધ થયો હતો. કારખાનામાં સુરક્ષા માટે રાખવાની કાળજીના મેન્યુઅલ અંગ્રેજીમાં હતા જયારે કામ કરતા વર્કરોને અંગ્રેજી ભાષાનું કોઇ જ જ્ઞાન ન હતું. બન્યું એવું કે પાઇપની સફાઇ કરતા હવાના વેન્ટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ટેંક નંબર ૬૧૦માં ક્ષમતા કરતા એમઆઇસી ગેસ વધારે ભર્યો હતો  તેમજ ગેસનું તાપમાન નિર્ધારિત ૪.૫ ડિગ્રીના સ્થાને ૨૦ ડિગ્રી હતું. કુલિંગ માટે તૈયાર કરવામાં આવેલા ફ્રિજિંગ પ્લાન્ટને પણ પાવર બીલ ઓછુ આવે તે માટે બંધ રાખવામાં આવ્યો હતો.


૩ ડિસેમ્બરની રાત્રિએ ટેન્ક ૬૧૦માં પાણી ચૂવાથી ગરમી પેદા થઇ અને ટેન્કનું તાપમાન વધીને ૨૦૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આથી ગેરી ગેસનું ગળતર ખુલ્લા વાતાવરણમાં થવા લાગ્યું હતું. ૪૫ થી ૬૦ મીનિટના ગાળામાં લગભગ ૩૦ થી ૪૦ મેટ્રિક ટન ગેસ બહાર આવ્યો હતો. આ ઝેરી ગેસ ફેલાવાનો પ્રવાહ ભોપાલ શહેરની દક્ષિણ પૂર્વી દિશામાં વધારે હતો. જાણે કે ગેસના વાદળ હોય એવી સ્થિતિ ઉભી થઇ હતી.

આ ગેસના વાદળમાં ફોસ્જીન,હાઇડ્રોજન સાયનાઇડ, કાર્બન મોનોકસાઇડ અને હાઇડ્રોજન કલોરાઇડના અવશેષો જોવા મળ્યા હતા.૧૯૯૩માં ભોપાલ આંતરરાષ્ટ્રીય ચિકિત્સા આયોગને ભોપાલ ગેસ દુર્ઘટનાથી પર્યાવરણ અને માનવીઓને થનારી લાંબા ગાળીની અસર તપાસવાનું કામ સોંપાયું હતું. જો કે નવાઇની વાત તો એ છે કે  અનેક તપાસો છતાં ખરેખર ઘટના ક્રમશ કેવી રીતે બની તેના કારણો અને તારણો આજે પણ ખુલ્લાપણું નથી.


આ દુર્ઘટના પછી હોસ્પીટલોં દર્દીઓથી ઉભરાઇ હતી. ખચોખચ ભરેલી હોસ્પીટલની બહાર પલંગ રાખીને પીડિતોની સારવાર કરવી પડી હતી. રાસાયણિક ગેસ ગળતરનો ભોગ બનેલાની સારવાર કેવી રીતે કરવી તે અંગે ૭૦ ટકા તબીબો પાસે પણ પૂરતું જ્ઞાન ન હતું. આવી ગોઝારી ઘટનાની કોઇએ કલ્પના કરી ન હોવાથી હોસ્પીટલો તથા દવાખાનાઓ મેડિકલ સાધનો અને દવાઓથી સજજ ન હતા. ભોપાલમાં જેને ખબર પડીએ શહેર છોડીને દૂર ભાગવા માંડયા હતા. શહેરના ૫ લાખથી વધુ લોકો ગેસ ગળતરના ભરડામાં આવ્યા હતા. જેમાંથી ૨ લાખથી વધુની ઉંમર ૧૫ વર્ષથી ઓછી અને ૩૦૦૦થી વધારે ગર્ભવતી મહિલાઓ હતી.


તત્કાલિન મુખ્યમંત્રી ખૂદ ભોપાલ છોડીને તેમના ફાર્મ હાઉસ જતા રહયા હતા. શહેરના ઘણા સિનિયર ડોકટર હોસ્પીટલ છોડીને ભાગ્યા હતા.આવા સંજોગોમાં જુનિયર સ્ટાફ દર્દીઓને સધન સારવાર કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. આંખોમાં બળતરા દૂર કરવાના આઇ ડ્રોપ્સ અને ઓકિસજનના સિલિન્ડર ખૂટી પડયા હતા.

યુનિયન કાર્બાઇડ કંપનીનો સીઇઓ અને ચેરમેન વોરેન એન્ડરસનની ધરપકડ કરવામાં આવી પરંતુ થોડાક જ કલાકમાં જામીન મળ્યા અને ભારત છોડીને ભગાડી દેવામાં આવ્યા હતા. એ સમયે કેન્દ્રમાં પ્રચંડ બહુમતીથી ચુંટાઇને આવેલી રાજીવ ગાંધી સરકારનું શાસન હતું. એન્ડરસન ભારત દેશના કાયદા અને નિયમોથી ભાગતો ફરતો રહયો અને પીડિતો ન્યાય માટે કોર્ટના ચકકર કાપતા રહયા હતા. 



https://ift.tt/6zABGU3 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/srGD6AT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ