અમદાવાદ,તા. 15 નવેમ્બર 2022, મંગળવાર
દોઢ સદી જુના મોરબી કેબલ બ્રિજ તૂટવાની ઘટનામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ સોંગદનામાંની વિગતો જોઈને ગુજરાત હાઈકોર્ટ પણ આજે લાલઘૂમ થઈ હતી. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટની બેંચ સમક્ષ રજૂ કરેલ સોગંદનામામાં કહ્યું કે દિવાળીના તહેવારને કારણે પુલ પર લોકોનો ભારે ધસારો હતો. દરરોજ 3165 મુલાકાતીઓ આવતા હતા જેમાંથી એક સમયે બ્રિજ પર 300 લોકો હજાર હતા.
સરકારે રજૂ કરેલ એફિડેવિટ જોઈને ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ પણ ચોંકી ઉઠ્યા હતા કે તમે આટલી ગેરજવાબદારીપૂર્વક કઈ રીતે બ્રિજના કોન્ટ્રાકટ આપી શકો છો. સરકાર અને સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ આ તમામ વસ્તુ થતી હતી તો પણ તમે ઉંઘતા કેમ રહ્યાં ?
હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પ્રસ્તુત કેસમાં મોરબી નગરપાલિકા દ્વારા કાયદાનું પાલન નહિ કરાયું હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાય છે. સરકારે આ કેસમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ શું શિક્ષાત્મક પગલાં લીધા અને મ્યુનિસિપાલિટી એક્ટનો ભંગ કરીને ટેન્ડર પ્રક્રિયા વિના બારોબાર કેવી રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો તે સહિતના મુદ્દા ઉપર વિગતવાર ખુલાસો કરતું સોગંદનામુ અને જવાબ રજૂ કરવા હુકમ કર્યો છે.
મોરબી હોનારત કેસમાં મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263 લાગુ ન કરી હોવું ખૂબ જ ગંભીર વાત છે. ખંડપીઠે બ્રિજના સમારકામ, સુરક્ષા અને જાળવણી અંગે ખાનગી કોન્ટ્રાક્ટર અને મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયેલા કરારની નકલ માંગી છે.
ચીફ જસ્ટિસ કુમારે સરકારને આકરા સવાલ કરતા પૂછ્યું કે આ બ્રિજ અને રાજ્યના તમામ બ્રિજને કોણ પ્રમાણિત કરે છે ? આ કામ કોનું છે ? જુની આ પ્રકારની ઈમારતો અને પર્યટન સ્થળો માટે પણ કેટલાક કાયદા છે, તેનું પાલન કરાવવાની જવાબદારી કોની છે ? એજીએ કહ્યું કે માર્ગ અને પુલ વિભાગની આ તમામ જવાબદારીઓ હોય છે.
આ અકસ્માત બાદ તમે લીધેલા પગલાં વ્યાજબી છે પરંતુ પહેલા શું કરતા હતા ? આ બ્રિજ સહિત તમામ બ્રિજો માટે તમે શું કર્યું છે ?
હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સત્તાધીશોને આડા હાથે લીધા હતા અને સરકારને પણ ઝાપટા મારતા ગંભીર સવાલો કર્યા હતા કે 2008માં અજંતા ગ્રુપ સાથેનો MoU પૂરો થઈ ગયા બાદ 15 જૂન 2016 પછી રીન્યુ થયું નથી તો કયા સંજોગોમાં બ્રિજ ખુલ્લો મુકવાની પરવાનગી અપાઇ અને કયા આધાર પર કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો તે અંગે પણ ખાસ ખુલાસો કરો.
માત્ર દોઢ પાનાનો કરાર જોઈને CJI અકળાયા કે તમારો એગ્રીમેન્ટ તો જુઓ માત્ર દોઢ પેજનો છે અને તે પણ કોઈ નિયમ-શરત વગરનો. ટેન્ડરનો સમયગાળો પુરો થઈ ગયો હતો તો પણ કેમ બ્રિજ ખુલ્લો રખાયો હતો ? દેખીતી રીતે હોનારતમાં મોરબી નગરપાલિકાની ભૂલ છે તો પછી હજી સુધી નગરપાલિકાના બોર્ડનું વિસર્જન કેમ નથી કરાયું ? બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ પ્રમાણિત કરવા માટે કોઈ શરત લાદવામાં આવી હતી કે કેમ, જો હોય તો સર્ટિફિકેટ આપવા માટે સક્ષમ અધિકારી કોણ હતા ?
હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના સત્તાધીનોએ આ તમામ સવાલોના જરૂરી જવાબ રજૂ કરવા હુકમ કરી કેસની વધુ ચલાવણી 24મી સુધી મુલતવી રાખી છે.
દરમિયાન ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ તરફથી હાઇકોર્ટને જણાવ્યું કે તેમના દ્વારા ચેરમેન અને અન્ય સભ્યોની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે જે સમગ્ર મામલાની તપાસ હાથ ધરી રહ્યું છે
મોરબી નપા તરફથી કોઈ હાજર ન રહેતા જજ અકળાયા ?
બેચના જજ જે શાસ્ત્રીએ કહ્યું કે કોર્ટ જાન્યુઆરી, 2020માં યોજાયેલી મીટિંગમાં કોન્ટ્રાક્ટર પર લાદવામાં આવેલી નિયમ-શરતો જાણવા માંગે છે. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોણ હાજર છે ? જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું કે સ્થાનિક પ્રશાસન એટલેકે નગરપાલિકાને કોર્ટ તરફથી હજુ સુધી કોર્ટની કોઈ નોટિસ મળી નથી.
AGના જવાબથી જજ ગુસ્સે ભરાયા અને કહ્યું કે રજિસ્ટ્રીએ આ કેસમાં નોટિસ જારી કરી હતી. મોરબીનું સ્થાનિક તંત્ર હવે સ્માર્ટનેસ બતાવી રહ્યું છે.
સરકારે બચાવ કામગીરી આગળ ધરી પીઠ થપથપાવી :
એટર્ની જનરલે બચાવ કામગીરી વિશે કોર્ટને કહ્યું કે આ ઘટનાની જાણ થતા જ કેવી રીતે મોરબી પોલીસ, જે લગભગ 1.5 કિમી દૂર હતી તે પાંચ મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી. બ્રિજ તૂટી પડતા નદીમાં પડેલા લોકોને બચાવવા માટે 22 કોન્સ્ટેબલો નદીમાં કૂદી પડ્યા હતા. ઇજાગ્રસ્ત લોકોને ખાનગી અને જાહેર બંને હોસ્પિટલોમાં લઈ જઈ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. હાલની સ્થિતિ અંગે કહ્યું કે એકમાત્ર વ્યક્તિ સિવાય તમામ ઘાયલોને રજા આપવામાં આવી છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pjqVM7T https://ift.tt/hwI2EeR
0 ટિપ્પણીઓ