વડોદરાઃ ગુજરાત સરકારના માહિતી આયોગના કમિશનરે એમ.એસ.યુનિવર્સિટીને ગયા વર્ષે થયેલા અધ્યાપકોના ઈન્ટરવ્યૂની કેટલીક જાણકારી રાઈટ ટૂ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ આપવા માટે હુકમ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે અરજદારે કોમર્સ ફેકલ્ટીના બિઝનેસ ઈકોનોમિક્સ વિભાગમાં થયેલા આસિસટન્ટ પ્રોફેસરના ઈન્ટરવ્યૂ માટે ૨૦૨૧ના નવેમ્બર મહિનામાં આરટીઆઈ હેઠળ યુનિવર્સિટી પાસે જાણકારી માંગી હતી.
જોકે યુનિર્સિટીએ જે જવાબ આપ્યો હતો તેનાથી અરજદારને સંતોષ થયો નહોતો.આથી અરજદારે યુનિવર્સિટીની એપેલેટ ઓથોરિટી એટલે કે વાઈસ ચાન્સેલર ઓફિસમાં અરજી કરી હતી.વાઈસ ચાન્સેલર ઓફિસમાંથી પણ અરજદારને અમુક જાણકારી આપવાનો ઈનકાર કરાયો હતો.
એ પછી અરજદારે ગુજરાત સરકારના માહિતી આયોગમાં અરજી કરી હતી.જેના પર પાંચ ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આયોગે યુનિવર્સિટીને અરજદારને ખૂટતી જાણકારી આપવા માટે હુકમ કર્યો છે.
આ જાણકારીમાં ઈન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારોને અપાયેલા માર્કસનો સમાવેશ થાય છે.બીજી તરફ યુનિવર્સિટી સત્તાધીશોનુ માનવુ છે કે, યુનિવર્સિટીના કાયદા પ્રમાણે અનિવાર્ય સંજોગોમાં જ ઉમેદવારોને અપાયેલા માર્કનુ સીલ કરાયેલુ કવર સિન્ડિકેટ જો આદેશ આપે તો જ ખોલવામાં આવતુ હોય છે અથવા તો કોર્ટ જો આદેશ આપે તો સિન્ડિકેટના આદેશ સાથે ઉમેદવારોના માર્કસનુ કવર ખોલવામાં આવે છે.
યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, અરજદારે માંગેલી જાણકારી અને માહિતી આયોગના હુકમ અંગે સિન્ડિકેટમાં ચર્ચા થઈ છે અને આ મુદ્દે કાયદાકીય અભિપ્રાય લેવાનુ નક્કી કરાયુ છે.કાયદાકીય અભિપ્રાયના આધારે આગળની કાર્યવાહી કરાશે.
https://ift.tt/6pc8qfv
0 ટિપ્પણીઓ