અધ્યાપકો સાથે તડાફડી બાદ વીસી ઓફિસ પહોંચીને ડીને રાજીનામુ ધરી દીધુ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીને અધ્યાપકો સાથેની બેઠકમાં થયેલી તડાફડી બાદ ફરી રાજીનામુ ધરી દીધુ છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ તેમને સમજાવવાના પ્રયાસો પણ શરુ કર્યા છે.

મળતી વિગતો પ્રમાણે ૨૮ સપ્ટેમ્બરના રોજ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે એમકોમના ટાઈમ ટેબલને લઈને અધ્યાપકોની એક બેઠક બોલાવી હતી.આ બેઠકમાં ઈકોનોમિક્સ વિભાગના અધ્યાપકોએ માંગ કરી હતી કે, ઈકોનોમિક્સ વિભાગનુ શિક્ષણ કાર્ય  માટે સવારનો સમય ફાળવવામાં આવે.અત્યારે ઈકોનોમિક્સના એમકોમના વિદ્યાર્થીઓ બપોરના સમયે અભ્યાસ કરે છે.જ્યારે મેનેજમેન્ટ અને એકાઉન્ટ માટે સવારનો સમય ફાળવવામાં આવ્યો છે.

જોકે આ મુદ્દે વાત એટલી વધી ગઈ હતી કે, બેઠકમાં ગરમા ગરમી થઈ ગઈ હતી અને પ્રો.ઉપાધ્યાય ૬ ઓક્ટોબરથી હું ડીન નહીં રહું તેમ કહીને બેઠક છોડીને જતા રહ્યા હતા.૨૯ સપ્ટેમ્બરના રોજ તેઓ વીસી ઓફિસમાં રાજીનામુ સુપ્રત કરી આવ્યા હતા.જાણવા મળતી વિગતો પ્રમાણે  તેમણે રાજીનામા માટે સ્વાસ્થ્યનુ કારણ આગળ ધર્યુ છે.

પ્રો.ઉપાધ્યાયે ડીન પદેથી બીજી વખત રાજીનામુ આપ્યુ છે.નેકની ટીમ મુલાકાત લેવાની હતી તે પહેલા પણ તેમણે રાજીનામુ આપ્યુ હતુ.જોકે સત્તાધીશોએ તેમને ડીન તરીકે ચાલુ રહેવા માટે સમજાવી લીધા હતા.આ વખતે પ્રો.ઉપાધ્યાય ખરેખર ડીન તરીકે ચાર્જ છોડી દેશે કે કેમ તે બાબત અધ્યાપક આલમમાં ચર્ચાનો વિષય બની છે.બીજી તરફ આ મુદ્દે પ્રો. ઉપાધ્યાયનો સંપર્ક થઈ શક્યો નહોતો.



https://ift.tt/zF72Qa5

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ