સેશન્સ કોર્ટે AMOSના ડાયરેક્ટરોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી

અમદાવાદ

એક લીટર મીથેનોલ ગોડાઉનની બહાર લઇ જવું પ્રતિબંધિત છે ત્યારે ૬૦૦ લીટર કેમીકલની હેરફેર માલિકોની સંડોવણી વિના અશક્યઃ સરકારી વકીલ


ધંધુકા અને બરવાળામાં થયેલા કેમીકલ કાંડમાં પોલીસે ગુનો નોધ્યા બાદ ગુનામાં સંડોવણીની શક્યતાને આધારે  એમોસ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સમીર પટેલ સહિત કુલ ચાર  ડાયરેક્ટરોને સમન્સ મોકલીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા. જો કે ધરપકડના ડરથી તેમણે બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે    કોર્ટ દ્વારા આજે નામંજુર કરવામાં આવી છે. જેથી હવે આગોતરા જામીન માટે સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો  ગુજરાત હાઇકોર્ટમાં જઇ શકે તેવી શક્યતા છે. ધંધુકા-બરવાળામાં સર્જાયેલા કેમીકલ કાંડમાં ૭૦ થી વધુ મોત માટે જવાબદાર મીથેનોલ કેમીકલ પીપળજ સ્થિત એમોસ કંપનીના ગોડાઉનથી લાવવામાં આવ્યું હતું. જેમાં કંપનીમાં નોકરી કરતા જયેશ નામના વ્યક્તિએ કેમીકલની ચોરી કર્યાની કબુલાત કરી હતી. પરંતુ, એમોસ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર સમીર પટેલ પંકજ પટેલ ચંદુભાઇ પટેલ અને રજીત ચોકસી કેમીકલ કાંડની ઘટના બાદ ભુગર્ભમાં ઉતરી ગયા હતા.સાથે સાથે પોલીસ સમક્ષ હાજર થવાને બદલે  ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે હાઇકોર્ટ આગોતરા જામીન અરજી નકારીને સેશન્સ કોર્ટમાં અરજી કરવા સુચના આપી હતી. જેના આધારે એમોસ ંંકંપનીના ડાયરેક્ટરોએ બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ શુક્રવારે સમીર પટેલ સહિતના ડાયરેક્ટરોની આગોતરા જામીન અરજી નકારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ખાસ નિયુક્ત કરવામાં આવેલા સરકારી વકીલ ઉત્પલ દવેએ મહત્વની દલીલ કરી હતી કે અંત્યત જીવલેણ ગણાતા મીથેનોલ કેમીકલના એક લીટરના જથ્થાને પણ નિયમ વિરૂધ્ધ ગોડાઉનની બહાર લઇ જઇ શકાતુ નથી. ત્યારે કંપનીના જવાબદાર લોકોની સંડોવણી વિના  ેક સાથે ૬૦૦ લીટર મિથેનોલ બહાર લઇ જવું અશક્ય જેવું છે. જેથી આ અંગે સમીર પટેલ સહિતના સંચાલકોની પુછપરછ થવી ખુબ જ જરૂરી છે. આ દલીલને આધાર બનાવીને સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજીને લઇને મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો.સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે હવે સમીર પટેલ સહિતના ડાયરેક્ટરો આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરી શકે છે. જો કે બીજી તરફ પોલીસે તેમને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમને કાર્યરત કરીને તપાસ શરૂ કરી છે.



https://ift.tt/T0EKdlQ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ