- ભાલેજ નજીકથી પસાર થતી સૈયદપુરા નહેરમાં બનેલી ઘટના
આણંદ : આણંદ જિલ્લાના ભાલેજ નજીકથી પસાર થતી સૈયદપુરા નહેરમાંથી આશરે સાડા ત્રણ માસ પૂર્વે હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલ એક મહિલાના મૃતદેહમાં ભાલેજ પોલીસે મૃતદેહને સગેવગે કરવા માટે ગાડીની વ્યવસ્થા કરનાર બે શખ્સોને ઝડપી પાડયા હતા. પરંતુ ત્યારબાદ હત્યા કરનાર મુખ્ય આરોપી હજી સુધી પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો છે. મળતી માહિતી મુજબ ભાલેજ ગામના સૈયદપુરા નજીકથી પસાર થતી નહેરમાંથી ગત તા.૭મી મેના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સાથે સાથે નજીકમાંથી એક ઈકો કાર પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે અંગે ભાલેજ પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યા કેસમાં ઉતરસંડાના દિનેશભાઈ ભીખાભાઈ મેકવાન તથા જેક્સન શાંતિલાલ મેકવાનની સંડોવણી હોવાનું ખૂલતા પોલીસે બંનેને ઝડપી પાડી ઘનિષ્ઠ પુછપરછ કરતા મૂળ પશ્ચિમ બંગાળના અને ચકલાસી ખાતે રહેતા મિન્ટુ ઉર્ફે જમાલ અહેમદઅલી મલીકે તા.૬-૫-૨૦૨૨ના રોજ રાત્રિના સુમારે ૩૦ વર્ષીય મહીલા સલમાને તીક્ષ્ણ હથીયારના ઘા મારી મોત નીપજાવ્યું હોવાનું ખુલ્યું હતું. સાથે સાથે મૃતદેહનો નિકાલ કરવા માટે ગાડીની વ્યવસ્થામાં દિનેશ તથા જેક્સનની મદદ લીધી હોવાનું ખૂલતા પોલીસે બંને વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે આ ઘટનાને આશરે સાડા ત્રણ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી મિન્ટુ ઉર્ફે જમાલ મલીક પોલીસ પકડથી દૂર રહેવા પામ્યો છે. સૈયદપુરા સીમમાં આવેલ મહીકેનાલમાં સલમાના મૃતદેહને ફેંકી દઈ ઈકો ગાડી વાળવા જતા બાજુના ખેતરમાં ઉતરી જતા ગાડી ત્યાં છોડી દઈ મિન્ટુ ઉર્ફે જમાલ ફરાર થઈ ગયો હોવાનું ખુલ્યું હતું. ત્યારે મિન્ટુ ઉર્ફે જમાલ મૂળ પશ્ચિમ બંગાળનો હોઈ તે પોતાના વતન તરફ નાસી છૂટયો હોવાની શક્યતાને લઈ પોલીસે પશ્ચિમ બંગાળ સુધી તપાસ લંબાવી હતી.
જો કે હજુ સુધી પોલીસને મુખ્ય હત્યારો થાપ આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
https://ift.tt/HJRPXat
0 ટિપ્પણીઓ