નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ન્યાયતંત્રને કાયદાકીય મદદની રાહ જોઈ રહેલા વિવિધ જેલોમાં કેદ કાચા કામના કેદીઓની મુક્તિમાં ઝડપ લાવવા આગ્રહ કર્યો હતો. આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઈઝ ઓફ લિવિંગ જેટલા મહત્વપૂર્ણ છે તેટલું જ ઈઝ ઓફ જસ્ટિસ પણ જરૂરી છે. એટલે કે કારોબારમાં સુગમતા અને જીવન જીવવામાં સરળતા જેટલી મહત્વપૂર્ણ છે તેટલું જ મહત્વનું ન્યાય પણ સહેલાઈથી મળે તે જરૂરી છે.
અખિલ ભારતીય જિલ્લા કાયદાકીય સેવા ઓથોરિટી (ડીએલએસએ)ના સત્રનું ઉદ્ધાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેલોમાં અનેક કાચાકામના કેદીઓ કાયદાની મદદ મળવાની રાહ જોઈ રહ્યા છે. આપણી જિલ્લા કાયદાકીય સેવા ઓથોરિટી કાચા કામના કેદીઓને કાયદાકીય મદદ પૂરી પાડવાની જવાબદારી લઈ શકે છે.
તેમણે ન્યાયાધીશોને અપીલ કરી કે તેઓ અન્ડર ટ્રાયલ કેસોની સમીક્ષા સંબંધિ જિલ્લા સ્તરીય સમિતિઓના અધ્યક્ષના રૂપમાં કાચા કામના કેદીઓની મુક્તિમાં ઝડપ લાવે. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો કે, રાષ્ટ્રીય કાયદાકીય સેવા ઓથોરિટી (નાલસા)એ આ સંદર્ભમાં એક અભિયાન શરૂ કર્યું છે. તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આ પ્રયાસોમાં વધુ વકીલોને જોડવાનો આગ્રહ કર્યો હતો.
વડાપ્રધાને ઉમેર્યું કે, કોઈપણ સમાજ માટે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવું જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી જસ્ટિસ ડિલિવરી પણ છે. ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓનું તેમાં મહત્વપૂર્ણ યોગદાન રહે છે. છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ન્યાયતંત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં ઝડપથી કામ થયું છે.તેમણે કહ્યું કે, ઈ-કોર્ટ્સ મિશન હેઠળ દેશમાં વર્ચ્યુઅલ કોર્ટ્સ શરૂ થઈ રહી છે. ટ્રાફિક નિયમોના ભંગ જેવા ગૂનાઓ માટે ૨૪ કલાક ચાલનારી કોર્ટ્સે કામ કરવાનું શરૂ કરી દીધું છે. લોકોની સુવિધા માટે કોર્ટ્સમાં વીડિયો કોન્ફરન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરાઈ રહ્યો છે.
https://ift.tt/fs94B8g from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/V21yxpr
0 ટિપ્પણીઓ