- હીરા વ્યવસાયી પરિવાર સાથે પહેલા માળે સુતા હતા અને તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોરના રૂમનું લોક તોડી તિજોરી ખોલી ચોરી કરી
સુરત,તા.16 જુલાઈ 2022,શનિવાર
સુરતના અમરોલી જુના કોસાડ રોડની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા હીરા વ્યવસાયી ત્રણ અઠવાડીયા અગાઉ પરિવાર સાથે પહેલા માળે સુતા હતા ત્યારે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરો ગ્રાઉન્ડ ફ્લોરના રૂમનું લોક તોડી તિજોરી ખોલી દાગીના-રોકડ મળી રૂ.5.50 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ આણંદના બાકરોલના વતની અને સુરતમાં અમરોલી જુના કોસાડ રોડ કૃષ્ણનગર સોસાયટી ઘર નં.121 માં રહેતા 48 વર્ષીય પ્રદિપભાઇ ગણેશભાઇ ચાવડા વરાછા મીનીબજાર એસ.કે.ડાયમંડમાં હીરાની કાટી ચલાવે છે. ગત 23 જુનની રાત્રે પ્રદિપભાઇ,તેમના પત્ની નર્મદાબેન, પુત્રી રંજના, બે પુત્રો નિશીલ-હર્ષિલ જમી પરવારીને ગ્રાઉન્ડ ફ્લોરના રૂમને લોક મારી પહેલા માળે સુઈ ગયા હતા. બીજા દિવસે મળસ્કે પ્રદિપભાઈને પત્ની નર્મદાબેને જગાડીને ગ્રાઉન્ડ ફ્લોર પર ચોરી થયાની જાણ કરી હતી. પ્રદિપભાઈએ નીચે જઈ જોયું તો રૂમના દરવાજાની ગ્રીલનું લોક તૂટેલું હતું અને સામાન વેરવિખેર હતો.
પ્રદિપભાઈએ અંદર તપાસ કરી તો લોખંડની તિજોરી ખુલ્લી હતી અને તેમાંથી 125.08 ગ્રામ સોનાના દાગીના, 12.31 ગ્રામ ચાંદીના દાગીના અને રોકડા રૂ.5 હજાર મળી કુલ રૂ.5,49,614 ની મત્તાની ચોરી થઈ હતી. બનાવ અંગે પ્રદિપભાઈએ દાગીનાના બીલ શોધી પરીવાર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/Q8MuLJ9 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/R1BKSM7
0 ટિપ્પણીઓ