ચાર દાયકામાં સૌથી વધુ મોંઘવારી ડામવા ફેડરલ રિઝર્વે વ્યાજ દર ૦.૭૫% વધાર્યો



ફેડના ઇતિહાસમાં ૨૮ વર્ષનો સૌથી તીવ્ર વધારો

ન્યૂ યોર્ક તા. ૧૫:

અમેરિકામાં ધારણા કરતાં ઘણી વધારે ઝડપથી વધી રહેલી મોંઘવારી ડામવા માટે રામબાણ ઈલાજ તરીકે વ્યાજ દર વધારવામાં આવ્યો છે. ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની બેઠકમાં વ્યાજના દરમાં ૦.૭૫ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો છેલ્લા ૨૮ વર્ષમાં સૌથી વધુ છે. 

બેન્કો પોતાની પાસે વધારાની રોકડ હોય તે બીજી બેંકને આપે કે બેંક રોકડ મેળવે તેના માટે ફેડરલ ફન્ડ હોય છે જેના વ્યાજમાં અપેક્ષિત વધારો કરવામાં આવ્યો છે. હવે ફેડરલ ફંડના વ્યાજ ૧.૫૦ ટકાથી ૧.૭૫ ટકા થશે.

મે મહિનાની બેઠકમાં વ્યાજના દર ૦.૫૦ ટકા વધારવાના ફેડરલ રિઝર્વના નિર્યણથી અમેરિકામાં ત્યારે ફેડરલ રિઝર્વના વ્યાજના દર ૦.૭૫ ટકાથી ૧ ટકા વચ્ચે છે.

ફેડરલ રિઝર્વે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો હજી ઊંચો છે અને તેના માટે જરૂર પડ્યે વ્યાજના દર વધારવામાં આવશે. 

અમેરિકામાં ફુગાવાનો દર ચાર દાયકાની સૌથી ઉંચી સપાટી ૮.૬ ટકાએ છે. ઊંચા ફુગાવાના કારણે અમેરિકામાં સરકારી બોન્ડના યીલ્ડ ૩ ટકા ઉપર ચાલી રહ્યા છે. બજારમાં એવી અપેક્ષા છે કે ફેડરલ રિઝર્વ માટે અત્યારે અર્થતંત્રના વિકાસના જોખમે પણ મોંઘવારી ઘટાડવી અનિવાર્ય છે જેથી જીવનધોરણ ઉપર તેની અસર ઘટી શકે. શુકવારે ફુગાવાના દર જાહેર થયા પછી અમેરિકન બજારમાં વ્યાજનો દર ૦.૭૫ ટકા વધે એવી અપેક્ષા વધી રહી છે.

આજે વ્યાજના દર વધવાની જાહેરાત થતાં શેરબજાર દિવસના ઊંચા સ્તરથી થોડા ઘટ્યા હતા પણ અપેક્ષિત વધારા જેટલો જ વ્યાજ દર વધતા તૂટ્યા નથી. આ લખાય છે ત્યારે અમેરિકન ડોલર ઇન્ડેક્સ ૧૦૫ ની સપાટી ઉપર છે. ડાઉ જોન્સ ૮૨ પોઇન્ટ વધેલો છે. 

ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલા શેરબજાર ખુલતાની સાથે અમેરિકામાં ડાઉ જોન્સ ઇન્ડેક્સ ૧૬૬ પોઈન્ટ વધી ૩૦,૫૩૧, એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૩૪ પોઈન્ટ વધી ૩૭૬૯ અને નાસ્ડાક ૧૭૬ પોઈન્ટ વધી ૧૧,૦૦૫ની સપાટીએ હતા. ઊંચા વ્યાજ દરના કારણે અર્થતંત્ર ધીમું પડશે અને ઇંધણની માંગ ઘટશે એવી આશાએ ક્રુડ ઓઈલ ૧.૧૫ ડોલર ઘટી ૧૧૭.૭૮ અને બ્રેન્ટ ક્રુડ ૬૬ સેન્ટ ઘટી ૧૨૦.૫૧ ડોલર પ્રતિ બેરલની સપાટીએ ખુલ્યા હતા

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mP42ibg https://ift.tt/IEMxPNi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ