- હાર્દિકે પોતે કોંગ્રેસમાં હતો ત્યારે પણ ભાજપના અમુક નિર્ણયોને આવકાર્યા હોવાનું યાદ અપાવ્યું
ગાંધીનગર, તા. 02 જૂન 2022, ગુરૂવાર
પાટીદાર અનામત આંદોલન દ્વારા ચર્ચામાં આવેલો યુવા નેતા હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કમલમ ખાતે ભાજપનો ખેસ પહેરાવીને હાર્દિકનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. તે સિવાય રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાર્દિકને ભાજપની ટોપી પહેરાવી હતી.
વધુ વાંચોઃ ભાજપ સામે બાંયો ચડાવનારા પાટીદાર નેતાનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત
ત્યાર બાદ હાર્દિક પટેલે ભગવદ ગીતા આપીને સી.આર. પાટીલ અને નીતિન પટેલનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા, ડો. ઋત્વિજ પટેલ વગેરે સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક પટેલે પત્રકાર પરિષદ દરમિયાન પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને વૈકલ્પિક નોકરી અપાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સાથે જ પોતે ઘરવાપસી કરી હોવાનું અનુભવાઈ રહ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.
આંદોલન અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં હાર્દિકે રાજ્ય સરકારને માતા-પિતા સમાન ગણાવીને દીકરા દ્વારા કરવામાં આવેલી માગણી સ્વાભાવિક હતી તેમ જણાવ્યું હતું. સાથે જ તેણે 4-5 વર્ષ ચાલેલું આંદોલન સરકારે જ પૂર્ણ કરાવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
હાર્દિકે જણાવ્યું હતું કે, તે જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે પણ તેણે રામ મંદિર, કલમ 370 નાબૂદી વગેરે મુદ્દે ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત હાર્દિકે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને પોતાના પિતા વચ્ચેના સંબંધો યાદ કરીને તેમને પોતાના ફોઈબા ગણાવ્યા હતા. સાથે જ પોતાના પિતાના ભાજપ સાથેના સંબંધોને પણ યાદ કર્યા હતા.
0 ટિપ્પણીઓ