વોટ્સએપે ઑગસ્ટમાં ૨૩ લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બંધ કર્યા


નવી દિલ્હી, તા.૨

દેશમાં અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે ઑગસ્ટમાં ૨૩.૨૮ લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, તેમાંથી ૧૦ લાખથી વધુ એકાઉન્ટ યુઝર્સનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ મળતા પહેલા જ હટાવાયા હતા. વોટ્સએપે જુલાઈમાં ૨૩.૮૭ લાખથી વધુ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. કંપનીએ તેના માસિક અનુપાલન રિપોર્ટમાં સરકારને આ માહિતી આપી હતી.

દુનિયાના અગ્રણી મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપે ફરી એક વખત ભારતમાં લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નવા આઈટી નિયમ, ૨૦૨૧ હેઠળ કંપનીએ કેન્દ્ર સરકારને તેના કમ્પ્લાયન્સ રિપોર્ટમાં આ માહિતી આપી હતી. કંપની કટ્ટરતા ફેલાવતા, સ્પામિંગ અથવા પ્લેટફોર્મનો અયોગ્ય ઉપયોગ કરવા જેવા કારણોથી એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દે છે.

મેટાની માલિકીવાળા મેસેજિંગ પ્લેટફોર્મના ભારતમાં ૫૦ કરોડથી વધુ યુઝર્સ છે. કંપનીએ જૂનમાં પણ ૨૨ લાખથી વધુ ભારતીયોના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મે મહિનામાં ૧૯ લાખ, એપ્રિલમાં ૧૬ લાખ અને માર્ચમાં ૧૮.૦૫ લાખ એકાઉન્ટ બંધ કરી દીધા હતા. ગયા વર્ષે આઈટી નિયમ લાગુ થયા પછી ૫૦ લાખથી વધુ યુઝર્સ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મ માટે દર મહિને અનુપાલન રિપોર્ટ જાહેર કરવો ફરજિયાત છે. વોટ્સએપને એક મહિનામાં ઑગસ્ટમાં અંદાજે ૫૨૮ ફરિયાદો મળી છે. જોકે, આ ફરિયાદોમાંથી માત્ર ૨૭ સામે જ કાર્યવાહી થઈ છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સતત આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજી, ડાટા સાયન્ટિસ્ટ અને નિષ્ણાતો સાથે મળીને કામ કર્યું છે, જેથી અમારા યુઝર્સને સુરક્ષિત અનુભવ મળી શકે. 

ગૂગલને ભારતીય યુઝર્સ તરફથી ૩૭,૨૮૭ ફરિયાદો મળી હતી. યુઝર્સની ફરિયાદોના આધારે કંપનીએ કુલ ૫,૫૧,૬૫૯ આપત્તિજનક કન્ટેન્ટ તેના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. બીજીબાજુ ટ્વિટરે શનિવારે કહ્યું કે તેણે ૨૬ જુલાઈથી ૨૫ ઑગસ્ટ વચ્ચે દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી, સંમતી વિના નગ્નતા અને સંબદ્ધ સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે દેશમાં ૫૭,૬૪૩ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.



https://ift.tt/g7qxa4B from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t7gVFTW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ