- પ્લેયર ઓફ ધ મેચ કાર્તિકના 27 બોલમાં 55 : અવેશ ખાનની ૪ વિકેટ
- 170ના પડકાર સામે સાઉથ આફ્રિકા 16.5 ઓવરમાં 87 રનમાં ખખડયું : શ્રેણી 2-2થી બરાબર
રાજકોટ : પ્લેયર ઓફ ધ મેચ દિનેશ કાર્તિકે ૨૭ બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૫ રનની યાદગાર ઈનિંગ રમતા તેમજ જોરદાર ફોર્મ ધરાવતા હાર્દિક પંડયાએ ૩૧ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૬ રન ફટકારતા ભારતે સાઉથ આફ્રિકાને પાંચ ટી-૨૦ની શ્રેણીની ચોથી ટી-૨૦માં અહીં ખંઢેરી સ્ટેડિયમ પર ૮૨ રનથી પરાજય આપ્યોહતો. ભારતે આપેલા ૧૭૦ના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકાએ શરણાગતિ સ્વીકારતા તેઓ ૧૬.૫ ઓવરમાં માત્ર ૮૭ રને ખખડી ગયા હતા. અવેશ ખાને ૧૮ રનમાં ૪ વિકેટ ઝડપી હતી. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકાએ રન ચેઝ કરીને જીતી હતી. ભારતને શ્રેણીમાં ટકી રહેવા અને જીતવાની આશા જીવંત રાખવા તે પછીથી બંને ટી-૨૦ જીતવી જ પડે તેમ હતી જે તેઓએ કરી બતાવ્યું છે. હવે બંને ટીમ ૨-૨થી બરાબરીએ હોઈ પાંચમી અને આખરી મેચ નિર્ણાયક બની રહેશે. જે રવિવારે બેંગ્લોરમાં રમાશે.
સાઉથ આફ્રિકાના કેપ્ટન બવુમાએ સતત ચોથી મેચમાં ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
ભારતની શરૂઆત સારી નહોતી રહી અને ૬.૧ ઓવરોમાં ૪૦ રનના સ્કોરે જ ટોચની ૩ વિકેટ ગુમાવી હતી.
ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાં ખાસ પ્રભાવ નથી પાડી શક્યો અને પાંચ રને જ સાત બોલ રમી ઓપનિંગમાં આવીને આઉટ થયોહતો. તેવી જ રીતે શ્રેયસ ઐયર પણ બે બોલમાં ૪ રન બનાવીને સસ્તામાં આઉટ થયો હતો.
આ શ્રેણીમાં ત્રણ ટી-૨૦માંથી બે અડધી સદીના ફોર્મ સાથે ઉતરેલા ઈશાન કિશને તેના મિજાજ કરતા ધીમી રમત બતાવી હતી. જો કે સેટ થઈને તે આક્રમક બનશે તેમ લાગતું હતું ત્યાં જ ૨૬ બોલમાં ૩ ચોગ્ગા અને એક છગ્ગા સાથેના ૨૭ રને આઉટ થયો હતો. ૪૦ રને ત્રીજી વિકેટ કિશનની પડી તેમાથી ૨૭ રન તો કિશનના જ હતા.
કેપ્ટન પંત અને હાર્દિક પંડયાએ ૬.૪ ઓવરામાં ૪૧ રન ઉમેર્યા હતા. ત્યારે જ પંત ચાહકોના રોષ વહોરીસતત બેજવાબદાર ફટકામાં વિકેટ વેડફી બેઠો હતો. તેણે ૨૩ બોલમાં બે ચોગ્ગા સાથેની ધીમી રમત રમી ચાહકોને નિરાશ કર્યા હતા. ૧૨.૫ ઓવરમાં ભારતે ૮૧ રન જ ૪ વિકેટ ગુમાવીને કર્યા હતા. આ સમયેવધુ એક વિકેટ ઝડપથી પડી હોત તો ભારતનો સ્કોર ઘણો સામાન્ય થયો હતો. ભારત વિકેટો સાચવે તો પણ ૧૫૦ની આસપાસ સ્કોર થાય તેમ લાગતું હતું. પણ હાર્દિક પંડયા જોડે દિનશ કાર્તિકે દિલ જીતતી બેટિંગ કરી હતી. પંડયા અને કાર્તિકે પાંચમી વિકેટની ૬૫ રનની ભાગીદારી ૫.૩ ઓવરમાં નોંધાવી પ્રેક્ષકોને ભારે રોમાંચક રંગત પૂરી પાડી હતી. ભારત ડિફેન્ડ કરી શકે તેવો વિજયી સ્કોર ખડુ કરી શક્યું તેથી પણ ચાહકો ખુશ હતા.
સાઉથ આફ્રિકા ૧૭૦ રનને ચેઝ કરવા ઉતર્યું ત્યારે તેઓ પાસે પણ ડી કોક, ડુસેન, બવુમા, મિલન અને કલાસેન જેવા આક્રમક બેટસમેન હોઈ શ્રેણી જીતવાની આશા સાથે લડત આપશે તેમ મનાતું હતું. પણ જમણેરી મીડિયમ ફાસ્ટ બોલર અવેશ ખાને તરખાટ મચાવતા સાઉથ આફ્રિકાનો ધબડકો થયો હતો. તેણે ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.
એક પણ પળ એવી નહોતી લાગતી કે સાઉથ આફ્રિકા મેચનું પાસું પલટી શકે. મેચ સાવ એક તરફી જ બની ગઈ હતી. કેમ કે લગાતાર વિકેટ પડતી હતી અને તેમાં પણ કેપ્ટન બવુમા ૧૧ બોલમાં ૮ રન કરીને રીટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. અધુરામાં પુરૂ ઓપનર ડી કોક ૧૪ રને હર્ષલ પટેલના થ્રોથી રનઆઉટ થયો હતો. પ્રીટોરિયસ ૦, ડેન્જરસ કલાસેન ૮ અને દુસેન ૨૦ રને આઉટ થતા સાઉથ આફ્રિકા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ચહલે પણ ૪ ઓવરમાં ૨૧ રન આપી બે વિકેટ ઝડપતું પ્રદાન આપ્યું હતું.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/4r7catf https://ift.tt/5BKrk4v
0 ટિપ્પણીઓ