- ફાઈલ પર સહી કરવાની હતી ત્યારે અધ્યક્ષ અને અમાસ નડી
- બુટ મોજાના ટેન્ડર ખુલ્યા બાદ મંજુરી માટે અધ્યક્ષ પાસે લઈ જવાયા પણ અમાસ હોવાથી અધ્યક્ષે સહી ન કરી અને ત્યાર બાદ અઠવાડિયા બાદ સહી કરી
સુરત,તા.17 જુન 2022,શુક્રવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે ત્યારે શાસકોની અંધશ્રદ્ધાના કારણે વહીવટ પર માઠી અસર પડી રહી છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષની અંધશ્રદ્ધાના કારણે દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓને બુટ મોજા સમયસર નહીં મળે તે નક્કી થઈ ગયું છે. બુટ મોજાના ટેન્ડર મંજુર થયા બાદ ફાઈલ પર સહી કરવાની હતી ત્યારે અધ્યક્ષે આજે અમાસ છે તેમ કહી સહી કરી ન હતી ત્યાર બાદ અઠવાડિયા સુધી સહી ન કરતા ઓર્ડર મોડો આપ્યો છે એટલે બુટ મોજા વિદ્યાર્થીઓને વિલંબથી મળી શકે છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો વિદ્યાર્થીઓને આધુનિકતાના પાઠ ભણાવી રહ્યા છે ત્યારે શાસકોની ઢીલી નીતિ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આઘાતજનક જોવા મળી રહી છે. શિક્ષણ સમિતિમાં પહેલી વાર ગણવેશ સમયસર મળે તે માટે પાલિકાના શાસકો એ મહેનત કરી હતી પરંતુ શિક્ષણ સમિતિના અણઘડ શાસકોએ તેના પર પાણી ફેરવી દીધું છે.
શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ માટેની બેગના ટેન્ડરમાં બોગસ દસ્તાવેજનો મુદ્દો ગાજી રહ્યો છે તેની સાથે બુટ મોજાના ટેન્ડરનો મુદ્દો પણ બહાર આવ્યો છે. પ્રવેશોત્સવની બેગ એજન્સીએ બોગસ સર્ટિફિકેટ રજૂ કરતા મોડી મળશે પરંતુ વિદ્યાર્થીઓને બુટ મોજા શિક્ષણ સમિતિના અધ્યક્ષની અંધશ્રદ્ધાના કારણે મોડા મળશે તે નક્કી થઈ ગયું છે.
આ વર્ષે ગણવેશ સાથે બુટ મોજા પણ વેળાસર મળે તે માટે સુરત મ્યુનિ. તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટેન્ડરના પ્રાઈઝ બીડ ખુલી ગયા અને એક એજન્સી ના ભાવ સૌથી નીચા આવ્યા હતા તેના કારણે એજન્સીને ઓર્ડર કરવા માટેનો નિર્ણય પણ થઈ ગયો હતો. આ ફાઈલ પર શિક્ષણ સમિતિના અધ્યક્ષની સહી થાય ત્યાર બાદ જ ઓર્ડર થાય તેમ હતું.
બુટ મોજા માટે લોએસ્ટ એજન્સીને કામગીરી આપવા માટેનો નિર્ણય કાર્યો અને ફાઈલ પર સહી કરવા અધ્યક્ષ ધનેશ શાહ ને કહ્યું ત્યારે તેઓએ આજે અમાસ છે તેમ કહીને સહી કરી ન હતી. ત્યાર બાદ એક સપ્તાહ સુધી તેઓએ સહી કરી ન હતી. એક અઠવાડિયા બાદ સહી કરતા હવે બુટ મોજા સમય પર મળશે નહીં તે નક્કી થઈ ગયું છે.
જો અધ્યક્ષ ધનેશ શાહે અંધશ્રદ્ધા દાખવી ન હોત અને અમાસના દિવસે ફાઈલ પર સહી કરી દીધી હોત તો વિદ્યાર્થીઓને ગણવેશ સાથે સાથે બુટ મોજા પણ આપી શક્યા હોત. અમાસના દિવસે સહી ન કરવાનો અધ્યક્ષના નિર્ણય પાલિકા અને શિક્ષણ સમિતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
https://ift.tt/5LgmSN8 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dFJ7PM
0 ટિપ્પણીઓ