એમ.એસ.યુનિ.ને છેલ્લા પાંચ વર્ષમાં રૃા.૮.૫૩ કરોડનું ડોનેશન મળ્યુ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દેશ અને વિદેશમાં સ્થાયી થયા છે.ઘણા પૂર્વ વિદ્યાર્થીઓ  ઉંચા હોદ્દાઓ પર છે અને નામના પણ મેળવી છે.જોકે તેની સામે યુનિવર્સિટીને મળતુ ડોનેશન ઘણુ ઓછુ કહી શકાય.તેમાં પણ છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં યુનિવર્સિટીને મળેલા ડોનેશનમાં જંગી ઘટાડો થયો છે.

યુનિવર્સિટી સત્તાધીશોએ આપેલી જાણકારી પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સિટીને સૌથી વધારે ૩.૫૦ કરોડનુ ડોનેશન ૨૦૨૧-૨૨ના વર્ષમાં મળ્યુ હતુ.જોકે ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષમાં યુનિવર્સિટીને મળેલા ડોનેશનમાં ઘટાડો થયો છે અને પાંચ વર્ષમાં સૌથી ઓછુ ૦.૪૫ લ લાખ રુપિયા જ ડોનેશન ૨૦૧૯-૨૦માં મળ્યુ હતુ.સૂત્રોનુ કહેવુ છે કે, યુનિવર્સિટીને સામાન્ય રીતે વ્યક્તિગત દાતાઓ, પરિવારો કે પછી કોર્પોરેટ કંપનીઓ દ્વારા સીએસઆર પ્રવૃત્તિ હેઠળ ડોનેશન આપવામાં આવતુ હોય છે.

ડોનર્સ સેલનુ એમ પણ કહેવુ છે કે, અગાઉની સરખામણીમાં યુનિવર્સિટીને મળતા ડોનેશનમાં વધારો થયો છે.જેમ કે ૨૦૧૨ થી ૨૦૧૭ના સમયગાળામાં યુનિવર્સિટીને માત્ર ૧.૭૩ કરોડ રુપિયા જ ડોનેશન મળ્યુ હતુ.જ્યારે ૨૦૧૮ થી ૨૦૨૩ના સમયગાળમાં યુનિવર્સિટીને મળેલા કુલ ડોનેશનની રકમ ૮.૫૩ કરોડ રુપિયા થવા જાય છે.

યુનિવર્સિટીને મળતુ ડોનેશન મોટા ભાગે માળખાકીય સુવિધાઓ માટે, ગોલ્ડ મેડલ માટ ેઅથવા તો સેમિનાર અને કોન્ફરન્સની સ્પોન્સરશિપ સ્વરુપે હોય છે.ઘણા દાતાઓ રોકડ રકમ ડોનેટ કરતા હોય છે તો ઘણા સુવિધાઓ ઉભી કરીને આપતા હોય છે.જેમાં બિલ્ડિંગ, એમ્ફીથિયેટર્સ, કોમ્પ્યુટર લેબ, સેમિનાર હોલ, ફર્નિચર, સ્કોલરશિપ, પુસ્તકોનો સમાવેશ થાય છે.



https://ift.tt/hIjKrF1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ