વડોદરાઃ રામનવમીની શોભાયાત્રા બાદ આગામી ગુરૃવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરા વિસ્તારમાં બે શોભાયાત્રા નીકળનાર હોવાથી શહેર પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવશે.
રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરામાં બે સ્થળે પથ્થરમારાનો બનાવ બન્યો હતો.પરંતુ પોલીસે રામજીની મૂર્તિ તેમજ શોભાયાત્રાને આંચ ના આવે તેની તકેદારી લેતાં કોઇ ઘેરા પ્રત્યાઘાત પડયા નહતા.આ બનાવને કારણે પોલીસ દ્વારા તોફાનીઓ પર સકંજો પણ કસવામાં આવ્યો છે.
આવા ઉશ્કેરાટભર્યા માહોલ વચ્ચે આગામી તા.૬ઠ્ઠીએ ગુરૃવારના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવનાર હોવાથી ઠેર ઠેર હનુમાન જન્મોત્સવના કાર્યક્રમોનું મોટેપાયે આયોજન કરવામાં આવી રહ્યું છે.જે દરમિયાન એક શોભાયાત્રા ફતેપુરાથી માંડવી થઇ ન્યાયમંદિર તેમજ બીજી શોભાયાત્રા નાની છીપવાડથી રોકડનાથ સુધીની નીકળનાર છે.
શોભાયાત્રાને પગલે શહેર પોલીસ કમિશનરે અગાઉથી જ સશસ્ત્ર પોલીસ કાફલો ખડકી દેવા માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.પોલીસ દ્વારા અગાઉના બંદોબસ્ત દરમિયાન રહી ગયેલી કચાશને સુધારીને ડીપ પોઇન્ટ,હાઇ રાઇઝ પોઇન્ટ તેમજ બોડીવોર્ન કેમેરા સાથેનો ફોર્સ તૈનાત કરવામાં આવશે.
ફતેપુરા વિસ્તારમાં પોલીસની ડ્રોન થી નજર રહેશે
ફતેપુરા વિસ્તારમાં કાંકરીચાળો કરનારા તત્વોને શોધી કાઢવા તેમજ તેમને કેમેરામાં કેદ કરવા માટે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આજે સાંજે પોલીસે ફતેપુરામાં ડ્રોન સર્વેલન્સ કર્યું હતું.જ્યારે આગામી સમયમાં શોભાયાત્રા દરમિયાન પણ ડ્રોન થી સતત નીગરાણી રાખવામાં આવનાર છે.
https://ift.tt/VCDpJTW
0 ટિપ્પણીઓ