દેશમાં સતત બીજા દિવસે કોરોનાના નવા 6,000 કેસને પાર


- એક્ટિવ કેસ વધીને 31,194 થયા

- કોરોનાનું વેરિઅન્ટ એક્સબીબી.1.16 કેસોમાં વધારા માટે જવાબદાર : વૈજ્ઞાનિકો

નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. શનિવારે કોરોનાના નવા ૬,૧૫૫ કેસ નોંધાયા હતા. આમ, સતત બીજા દિવસે દેશમાં કોરોનાના કેસ ૬,૦૦૦ને પાર થયા હતા. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૩૧,૧૯૪ને પાર થઈ ગયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોનાના કુલ કેસ ૪.૪૭ કરોડ થઈ ગયા છે જ્યારે વધુ ૧૧નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૪.૩૦ લાખને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ૩૧,૧૯૪ થયા છે, જે કુલ કેસના ૦.૦૭ ટકા છે. કોરોનાનો રાષ્ટ્રીય રિકવરી દર ૯૮.૭૪ ટકા છે જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ ૫.૬૩ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૩.૪૭ ટકા નોંધાયો હતો. અત્યાર સુધીમાં કોરોનાના ૪,૪૧,૮૯,૧૧૧ દર્દીઓ સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ મુજબ અત્યાર સુધીમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વિરોધી રસીના ૨૨૦.૬૬ કરોડ ડોઝ અપાયા છે. 

દરમિયાન ભારતમાં ફરીથી તીવ્ર ગતિએ વધી રહેલા કોરોનાના કેસોએ લોકોને ભયભીત કરી દીધા છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિઅન્ટ એક્સબીબી.૧.૧૬ને કેસોમાં આવેલા ઉછાળા માટે જવાબદાર ગણાવ્યું છે. વધુ ડરામણી બાબત એ છે કે નવું રિકોમ્બિનેન્ટ વેરિઅન્ટ એક્સબીબી.૧.૧૬ સતત મ્યુટેટ કરી રહ્યું છે. સાથે જ તેના સબટાઈપ એક્સબીબી.૧.૧૬.૧ના અનેક કેસ પણ ભારતમાં નોંધાયા છે. રિપોર્ટ્સ મુજબ એક્સબીબી.૧.૧૬.૧ વેરિઅન્ટ ભારતમાં ૧૧૩ લોકોને શિકાર બનાવી ચૂક્યું છે. તેમાં મોટાભાગના કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.



https://ift.tt/pqrhGeU from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kRzFP82

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ